છત્તીસગઢના મુખ્યપ્રધાનના 86-વર્ષના પિતા 15-દિવસ માટે જેલમાં

રાયપુરઃ બ્રાહ્મણ સમાજ વિરુદ્ધની ટીકાટિપ્પણ બદલ છત્તીસગઢ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના પિતા નંદકુમાર બઘેલને 15-દિવસ સુધી અદાલતી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. 86 વર્ષીય નંદકુમાર બઘેલ વિરુદ્ધ ગઈ કાલે પોલીસે ભારતીય ફોજદારી ધારા (આઈપીસી)ની કલમ 505 અને 153 (વિવિધ સમાજો વચ્ચે ધર્મ, જાતિ, જન્મસ્થાન, નિવાસ અને ભાષાના આધારે વૈમનસ્ય ઊભું કરવા) હેઠળ એફઆઈઆર નોંધી હતી. એમને આજે રાયપુરની અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા અને મેજિસ્ટ્રેટે એમને 15-દિવસ માટે અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. નંદકુમારે જામીનની અરજી કરવાનો ઈનકાર કરી દીધો હતો, તેથી એમને જેલમાં મોકલી દેવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. આ કેસમાં 21 સપ્ટેમ્બરે સુનાવણી થશે. નંદકુમાર બઘેલ સામે સર્વ બ્રાહ્મણ સમાજે ફરિયાદ નોંધાવી છે. એનો આરોપ છે કે નંદકુમારે બ્રાહ્મણોને વિદેશી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે બ્રાહ્મણોએ સુધરી જવું જોઈએ અથવા ગંગામાંથી વોલ્ગામાં જવા તૈયાર રહેવું જોઈએ. નંદકુમારે તાજેતરમાં લખનઉની મુલાકાત વખતે એક કાર્યક્રમમાં આમ કહ્યું હોવાનું મનાય છેઃ ‘હવે ‘વોટ અમારો, રાજ તમારું’ નહીં ચાલે. અમે આંદોલન કરીશું. બ્રાહ્મણોને ગંગામાંથી વોલ્ગા મોકલી દઈશું. જે રીતે અંગ્રેજ આવ્યા અને જતા રહ્યા, એ જ રીતે બ્રાહ્મણો સુધરી જાય નહીં તો ગંગામાંથી વોલ્ગા જવા માટે તૈયાર રહે.’ તેઓ એમના બ્રાહ્મણ સમાજ વિરુદ્ધના વિચારો માટે જાણીતા છે.

મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે એમના પિતાની ધરપકડ અને એમની અદાલતી કસ્ટડી વિશે પૂછતાં કહ્યું કે, મને મારા પિતા પર માન છે, પરંતુ અમારી સરકારમાં કોઈ કાયદાથી ઉપર નથી, પછી ભલે તે મુખ્ય પ્રધાનના 86 વર્ષના પિતા જ કેમ ન હોય. બધાયને ખબર છે કે મને મારા પિતા સાથે વૈચારિક મતભેદ છે. અમારા રાજકીય વિચારો ઘણા અલગ છે. એક પુત્ર હોવાને નાતે હું એમનું સમ્માન કરું છું, પરંતુ એક મુખ્ય પ્રધાન તરીકે હું એમને એવી ભૂલ માટે માફ કરી શકું નહીં કે જેનાથી કાયદો અને વ્યવસ્થાને માઠી અસર પડે.