નીતિશ કુમારનું બદલાયેલું વલણ ફરીવાર BJP-JDUમાં ભંગાણ પાડી શકે છે

0
1261

પટના- બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની ભારતીય જનતા પાર્ટી સાથેની અસહજતા ફરીવાર વધી રહી છે. મળતી માહિતી મુજબ એવા કેટલાક બનાવો અને મુખ્યપ્રધાન નીતિશ કુમારનું પીએમ મોદી દ્વારા કથિત અપમાનનો મુદ્દો BJP અને JDUના સંબંધોમાં વિવાદ વધારી રહ્યો છે.ગત બે સપ્તાહ દરમિયાન લગભગ ચાર વખત નીતિશ કુમાર ભાજપના ‘મોટા ભાઈ’ના કથિત વલણને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. 17 મેના રોજ નીતીશ કુમારે ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયનના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. જેઓ મોદી સરકારના સિટીઝનશિપ બિલ સામે ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ ખરડો રાજકીય રીતે ભાજપ માટે અત્યંત સંવેદનશીલ મુદ્દો છે.

વર્ષ 2016માં નોટબંધી બાદ નીતિશ કુમારે 26મી મેના રોજ પ્રથમ વખત આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. પટનામાં યોજાયેલી એક બેન્કિંગ સંમેલનને સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, ‘હું નોટબંધીનો સમર્થક હતો, પરંતુ કેટલા લોકોને નોટબંધીથી લાભ થયો?’ કેટલાક શક્તિશાળી લોકોએ પોતાની રોકડ એક સ્થળેથી બીજા સ્થળે મોકલી આપી. ગરીબો મુશ્કેલીમાં મુકાયા’. આપને જણાવી દઈએ કે, નોટબંધીના સમયે વિરોધ પક્ષોએ પણ મોદી સરકાર પર આ પ્રકારના આક્ષેપો કર્યા હતા.

29 મેના રોજ નીતિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, બિહાર અને અન્ય પછાત રાજ્યો માટે વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ પર નાણા કમિશને પુનર્વિચાર કરવો જોઇએ. આ નીતિશ કુમારની ખૂબ જૂની માગ છે. પરંતુ ભાજપ સાથે તેમની ગઠબંધન સરકાર રચાઈ ત્યારથી આ મામલો ભૂલાઈ ગયો હતો. હવે આ માગ ફરીવાર એવા સમયે બહાર આવી છે જ્યારે વિપક્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે મોદી વિરોધી મોરચો બનાવવા ફરી એકવાર સક્રિય થયો છે.

એવું લાગે છે કે, નીતિશ કુમાર તેમની સ્થિતિમાં પોતાની સુવિધાને અનુરુપ પરિવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેઓ ભવિષ્યમાં NDA અથવા NDAની બહારના લોકો સાથે વાટાઘાટ કરી શકે.