કોરોના-રસીની અફવા ફેલાવનારા સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

નવી દિલ્હીઃ કોવિડ-19ની રસીને લઈને અફવા ફેલાવનારાં તત્ત્વો સામે કેન્દ્ર સરકારે કાયદાકીય કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ આ સંબંધે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે. અફવાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રએ લખેલા પત્રમાં કહ્યું છે કે આવી ફેલાયેલી અનિયંત્રિત આંશકાઓ કોરોનાની રસીની સલામતી અને અસરકારકતા વિશે ભ્રાંતિ ઊભી કરે છે.

દેશમાં નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીએ બંને રસી સલામત અને ઇમ્યુનોજેનિક હોવાનું જણાવ્યું છે. સોશિયલ મિડિયામાં રસી વિશે નિર્થક અને ભ્રામક અફવાઓ ચાલી છે, જે રસીની અસરકારકતા વિશે શંકાકુશંકા પેદા કરે છે, એમ કેન્દ્રએ જણાવ્યું હતું.

કોરોના રસી વિશેની અફવાઓને ધ્યાનમાં રાખીને લેભાગુ તત્ત્વો દ્વારા સામાન્ય જનતામાં તર્ક-વિતર્ક કરીને શંકાઓ ઊભી કરવામાં આવી છે. જોકે આ તમામ અફવાઓ નિરાધાર છે, એમ કેન્દ્રએ કહ્યું હતું.

ડ્રર કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનકાની કોવિશિલ્ડની રસીને મંજૂરી આપ્યા પછી 16 જાન્યુઆરીથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં કોવિડ-19ના રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 16 લાખથી વધુ લોકોને કોરોનાની રસી મૂકવામાં આવી છે.

કેન્દ્રએ પત્રમાં રાજ્યોને કોરોના રસી વિશે અફવાઓ અને ખોટા સમાચાર વહેતા મૂકવા બદલ કોઈ પણ વ્યક્તિ અનમે સંસ્થાને કાનૂની જોગવાઈઓ હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે. વડા પ્રધાન મોદીએ પણ લોકોને રસીની અફવા ના ફેલાવવા અને એનાથી બચવા માટે ક્હ્યું હતું.