કંગનાને મળવાનો રાજ્યપાલ પાસે સમય છે, પણ ખેડૂતો માટે નથીઃ પવારનો ટોણો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંયુક્ત સરકારમાં શિવસેના, કોંગ્રેસના સહભાગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા કૃષિ કાયદા સામે બે મહિનાથી દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આજે અહીં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે સંયુક્ત શેતકરી-કામગાર મોરચાના નેતૃત્ત્વ હેઠળ એકત્ર થયેલા ખેડૂતોની રેલીમાં હાજરી આપી હતી અને સંબોધન પણ કર્યું હતું. તેમણે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશ્યારી, જે ભાજપના છે, તેમની ટીકા કરી હતી. પવારે કહ્યું કે એ કમનસીબી છે કે સત્તા પર બેઠેલાઓને આંદોલન કરી રહેલા, કષ્ટ ભોગવી રહેલા ખેડૂતોની કોઈ પરવા નથી. આટલા દિવસોથી, કાતિલ ઠંડીનો સામનો કરીને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પણ દેશના વડા પ્રધાને તે વિશે ક્યારેય કોઈ તપાસ કરાવી છે ખરી? આવા રાજ્યપાલ મેં ક્યારેય જોયા નથી. એમની પાસે કંગના (રણોત, અભિનેત્રી)ને મળવાનો સમય છે, પણ ખેડૂતોને મળવાનો સમય નથી.

આ રેલીમાં કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અને રાજ્યના કેબિનેટ પ્રધાન બાળાસાહેબ થોરાતે પણ હાજરી આપી હતી. શિવસેનાએ ખેડૂતોની રેલીને સમર્થન આપ્યું છે, પણ તેના પ્રધાનો અને સિનિયર નેતાઓને રેલીમાં હાજર ન રહેવાનો આદેશ આપ્યો છે. સામાજિક કાર્યકર્તા મેધા પાટકર, તિસ્તા સેતલવાડ, કોંગ્રેસના મુંબઈ એકમના પ્રમુખ ભાઈ જગતાપ તથા ખેડૂતોના અમુક આગેવાનો રાજ્યપાલને આવેદનપત્ર આપવા માટે આઝાદ મેદાનથી રાજભવન તરફ જવા નીકળ્યા હતા, પણ પોલીસોએ તેમને મેટ્રો થિયેટર પાસે જ અટકાવ્યા હતા. એ વખતે પોલીસો અને આંદોલનકારીઓ વચ્ચે થોડીક ઝપાઝપી થઈ હતી.