નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી છે કે કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીકરણ ઝુંબેશના વ્યાપને કાર્યસ્થળો સુધી લંબાવી શકાય છે જેથી તમામ કર્મચારીઓ, એમના પરિવારજનો તથા આશ્રિત વ્યક્તિઓ રસી મેળવી શકે. કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ સંદર્ભમાં તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને પત્ર લખ્યો છે. તેણે જણાવ્યું છે કે ઔદ્યોગિક અને ખાનગી કાર્યસ્થળોના કોવિડ વેક્સિનેશન સેન્ટરોમાં લાભાર્થીઓને રસી આપવા માટે રસીના ડોઝ ખાનગી હોસ્પિટલો પાસેથી મેળવવાના રહેશે. એ માટે કાર્યસ્થળોના માલિકોએ જે તે હોસ્પિટલો સાથે સહયોગ કરવાનો રહેશે.
સરકારી કાર્યસ્થળોના રસીકરણ કેન્દ્રોમાં, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને પૂરી પાડવામાં આવતી મફત રસીના ક્વોટામાંથી રસી આપવાની રહેશે. પરંતુ, 18-44 વર્ષના વયજૂથમાં આવતી વ્યક્તિઓને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ સીધા રસી ઉત્પાદકો પાસેથી મેળવેલી રસીના ડોઝ આપવાના રહેશે.