રામદેવે એલોપથી વિશેનું વિવાદાસ્પદ નિવેદન પાછું ખેંચ્યું

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીમાં મોટા ભાગના લોકો આધુનિક મેડિસીન વિજ્ઞાન – એલોપથી હેઠળ આપવામાં આવેલી કોવિડની દવાઓને કારણે માર્યા ગયા છે અને ઓક્સિજનની કમીને કારણે ઓછા લોકો મર્યા છે એવું નિવેદન કરનાર જાણીતા યોગગુરુ બાબા રામદેવને પીછેહઠ કરવી પડી છે. પોતાનું નિવેદન પાછું ખેંચવું પડ્યું છે. આવું તેમને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કરેલી લેખિત તાકીદને કારણે કરવું પડ્યું છે.

ડો. હર્ષવર્ધને પત્રમાં રામદેવને લખ્યું છે કે, ‘તમે આવું નિવેદન કરીને માત્ર કોરોના યોદ્ધાઓનું અપમાન કર્યું છે એટલું જ નહીં, પણ દેશનાં લોકોની લાગણીને ઠેસ પણ પહોંચાડી છે. તમારી સ્પષ્ટતા યોગ્ય નથી… મને આશા છે કે તમે આ વિશે ફેરવિચારણા કરશો અને તમારા નિવેદનો સંપૂર્ણપણે પાછા ખેંચશો.’ રામદેવે આને પગલે પોતાની ભૂલ સ્વીકારી છે અને માફી પણ માગી છે. એમણે એક ટ્વીટમાં લખ્યું છે, ‘ડો. હર્ષવર્ધન તમારો પત્ર મળ્યો. તેના સંદર્ભમાં અને જુદી જુદી સારવારના ઘર્ષણ અંગે ઊભા થયેલા વિવાદનો અંત લાવવા માટે હું ખેદ વ્યક્ત કરીને મારું નિવેદન પાછું ખેંચું છું.’

રામદેવે હાલમાં એમની એક યોગશિબિરમાં મંચ પરથી કરેલા નિવેદનમાં, એલોપથી પદ્ધતિને ‘સ્ટુપિડ’ અને ‘દેવાળીયા વિજ્ઞાન’ તરીકે ઓળખાવી હતી. તે વધુમાં બોલ્યા હતા કે, કોવિડ સંકટમાં ઓક્સિજનની સારવાર ન મળવાને કારણે ઓછા લોકો માર્યા ગયા છે, પરંતુ લાખો લોકો એલોપેથિક દવાઓને કારણે માર્યા ગયા છે. તેમનો આ વિડિયો વાઈરલ થયો છે. તેમના આ વિડિયો અને નિવેદન સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સંસ્થાએ સખત વિરોધ નોંધાવ્યો હતો. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) સંસ્થાના રેસિડેન્ટ ડોક્ટરોના સંગઠને પણ વાંધો ઉઠાવ્યો હતો.