‘યાસ’ ભીષણ વાવાઝોડામાં તબદિલ થાય એવી શક્યતા

નવી દિલ્હીઃ હવામાન વિભાગે શનિવારે કહ્યું હતું કે બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલું વાવાઝોડું ‘યાસ’ ભીષણ ચક્રવાતી તોફાનમાં આકાર લઈ રહ્યું છે અને 26 મેએ આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોએ ટકરાય એવી સંભાવના છે. હાલ બંગાળની ખાડીમાં અને એની પાસેના ઉત્તરીય આંદામાનના દરિયામાં એક નીચું દબાણ સર્જાઈ રહ્યું છે. આ વાવાઝોડું 26 મેએ આ બંને રાજ્યો અને પડોશી દેશોના દરિયાકિનારાને પાર કરે એવી શક્યતા છે, એમ પ્રાદેશિક હવામાન વિભાગના ડિરેક્ટર જી. કે. દાસે જણાવ્યું હતું. આ વાવાઝોડા દરમ્યાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે અને સાંજ સુધીમાં એ પવનની ઝડપ વધવાની આશંકા છે, એમ તેમણે કહ્યું હતું.

પશ્ચિમ બંગાળના મોટા ભાગના ગંગા નદીના કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે, જ્યારે અનેક ઠેકાણે ભારે વરસાદ થવાની શક્યતા છે અને 25 મેએ વાવાઝોડાને લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ વાવાઝોડાને પગલે તોફાની પવનો ફૂંકાવાની સાથે હિમાલય બાજુના પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ધારણા છે. આ વાવાઝોડાને પગલે 27 મેએ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે, એમ તેમણે કહ્યું હતું.

બંગાળની ખાડીમાં ઉદભવી રહેલા વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને બંગલાદેશના દરિયાકાંઠા 24 મેની સાંજથી અનુભવાશે, જેમાં પ્રતિ કલાકે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, એમ તેમણે કહ્યું હતું. માછીમારોને 23 મેથી બીજી સૂચના ન મળે ત્યાંસુધી દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.