હીટ વેવ પ્રભાવિત રાજ્યોમાં કેન્દ્રએ આરોગ્યની ટીમો મોકલીઃ માંડવિયા

નવી દિલ્હીઃ દેશનાં ઘણાં રાજ્યોમાં હીટ વેવની સ્થિતિ- ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાં હીટ વેવ સંબંધિત 100 લોકોનાં મોત થયાં છે અને ત્રાહિ મામ્ ગરમીને લીધે અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે, જેથી કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જાહેર આરોગ્યની તૈયારીના ભાગરૂપે અને હીટવેવના વ્યવસ્થાપન માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.

તેમણે આરોગ્ય મંત્રાલય,ICMR, IMD અને NDMAના નિષ્ણાતોની ટીમ બિહાર અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેવા માટે નિર્દેશ આપ્યા છે. બંને રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે અને લૂથી અનેકનાં મોતના મામલે અને હોસ્પિટલાઇઝેશન સામે તકેદારીનાં પગલાં લેવા તાકીદ કરી છે. તેમણે લૂ સામે જાગરુકતા ફેલાવવા અને લોકોના આરોગ્ય જળવાઈ રહે એ માટે ICMRને નિર્દેશ આપ્યા છે, જેથી હીટ વેવની આરોગ્ય સામે મધ્યમથી લાંબા ગાળાના પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યો-ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યો હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. આરોગ્યપ્રધાને કહ્યું હતું કે ઉનાળાના પ્રારંભે અને હીટ વેવ સંબંધિત માંદગીને અટકાવવા સમય પર પગલાં લેવામાં આવ્યાં હતાં. માર્ચમાં PM મોદીની અધ્યક્ષતામાં હીટ વેવને લઈને સમીક્ષા બેઠક કરી હતી, જ્યારે આરોગ્ય મંત્રાલયે ફેબ્રુઆરીમાં હીટ વેવ એડવાઇઝરી પણ જારી કરી હતી. મંત્રાલયે રાજ્યોને હીટ વેવની સામે જરૂરી દવાઓ, વિપુલ માત્રામાં લિક્વિડ- છાસ, લીંબુપાણી વગેરે, ORS અને પાણી પીવા સાથે જરૂરી ચીજવસ્તુઓની સમીક્ષા કરવાની સલાહ આપી હતી.