મસ્ક, મોદીની મુલાકાતઃ ટેસ્લાનો ભારતપ્રવેશ થશે

ન્યુ યોર્કઃ વડા પ્રધાન મોદીએ ન્યુયોર્કમાં ટેસ્લાના સંસ્થાપક એલન મસ્ક સાથે મુલાકાત કરી હતી. મસ્કની ઇલેક્ટ્રિક વેહિકલ બનાવતી કંપની ટેસ્લા ભારતમાં મૂડીરોકાણ કરવા ઇચ્છે છે. એને લઈને તેમણે કહ્યું હતું કે જેટલું જલદી થઈ શકશે, કંપની મૂડીરોકાણ કરવા ઇચ્છે છે, એમ તેમણે મોદી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું. વડા પ્રધાન હાલ અમેરિકી પ્રવાસ પર છે. મસ્કે PMને ભારતમાં ઉત્પાદન એકમ સ્થાપવા માટેની યોજના વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે તેઓ આવતા વર્ષે ભારતની મુલાકાત લેવાના છે.

વડા પ્રધાન સાથે મુલાકાત પછી મસ્કે ટ્વીટ કરતાં લખ્યું હતું કે મોદીથી મુલાકાત એક સન્માનની વાત છે. એના જવાબમાં મોદીએ લખ્યું હતું કે તમને મળીને બહુ સારું લાગ્યું- અમે એ દરમ્યાન ઊર્જાથી માંડીને આધ્યાત્મિકતા સુધીના મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરી હતી. મસ્કે કહ્યું હતું કે તેઓ PMના ફેન છે. PMએ કેટલાંક વર્ષો પહેલાં કેલિફોર્નિયામાં ટેસ્લાની એક ફેક્ટરીની મુલાકાત લીધી હતી. મસ્કે મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે કંપની ભારતમાં જલદી મૂડીરોકાણ યોજના બનાવશે. મને વિશ્વાસ છે કે ટેસ્લા ભારતમાં હશે અને અમે જલદી એવું કરીશું. ભારતમાં એક મહત્ત્વનું મૂડીરોકાણ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે વિશ્વના કોઈ પણ મોટા દેશની તુલનામાં ભારતની પાસે વધુ સંભાવનાઓ છે. મોદી ભારતની ચિંતા કરે છે, કેમ કે તેઓ અમને મૂડીરોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. મસ્ક સ્પેએક્સને ભારતમાં લાવવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ભારતમાં સ્ટારલિન્ક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસના પ્રવેશની પણ આશા વ્યક્ત કરી હતી. હજી ગયા મહિને ટેસ્લાના અધિકારીઓ ભારત આવ્યા હતા અને કાર અને બેટરીના ઉત્પાદન માટે વાટાઘાટ કરી હતી.