નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 12 ધોરણનાં પરિણામો જાહેર કર્યાં છે. વિદ્યાર્થીઓ તેમનાં પરિણામ ઉમંગ એપ, SMS, IVRS (ઇન્ટરએક્ટિવ વોયસ રિસ્પોન્સ સિસ્ટમ) અને સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે. આ વર્ષે કુલ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, ગયા વર્ષથી ઓછું છે. ગયા વર્ષે 2022માં 92.71 વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ થઈ ચૂક્યા છે. તો 99.91 ટકા પરિણામ સાથે ત્રિવેન્દ્રમ દેશનું સૌથી હાઇએસ્ટ સ્કોર કરનારું રિજિયન બન્યું છે. તો બીજા નંબરે બેંગલુરુ, ત્રીજા નંબરે ચેન્નાઈ અને ચોથા નંબરે દિલ્હી છે. દર વખતની જેમ આ વખતે પણ વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં સારું આવ્યું હતું. વિદ્યાર્થીઓનાં પરિણામ 84.67 ટકા રહ્યું હતુ, જ્યારે વિદ્યાર્થિનીઓનું 90.68 ટકા છે.
CBSE ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી પાંચ માર્ચમાં યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં 38,83,710 ઉમેદવારોએ હાજરી આપી હતી. ધોરણ 10ના 21,86,940 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 16,96,770 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વિદ્યાર્થીઓ તેમના CBSE પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઇટ: results.cbse.nic.in અથવા cbseresults.nic.in પર, DigiLocker અને UMANG એપ પર જોઇ શકાશે. બોર્ડ આ પરિણામો IVRS અને SMS દ્વારા પણ ઉપલબ્ધ કરાવી શકે છે. CBSE ધોરણ 10, 12 ના પરિણામ 2023ની તારીખ અને સમય અગાઉથી વિદ્યાર્થીઓ સાથે શેર કરવામાં આવશે.