CAA કાયદો પરત લેવામાં નહીં આવેઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે સિટિજન્સ એમેડમેન્ટ એક્ટ (CAA)નું નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. આ સાથે હવે દેશમાં CAA લાગુ કરી દેવામાં આવ્યું છે. CAA લાગુ થયા બાદ બંગલાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓ માટે ભારતીય નાગરિકતા મેળવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ત્યારે આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં.

તેમણે કહ્યું હતું કે CAA કાયદો ક્યારેય પાછો ખેંચવામાં આવશે નહીં. આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે, અમે તેની સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.CAA નોટિફિકેશન અને તેની જોગવાઈઓ પર શાહે કહ્યું હતું  કે મુસલમાનોને પણ નાગરિકતા માટે અરજી કરવાનો અધિકાર છે. માર્ગ કોઈના માટે બંધ નથી. આ વિશેષ અધિનિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે, કારણ કે તેઓ કોઈ પણ દસ્તાવેજો વગર શા માટે આવ્યા છે. અમે એવા લોકો માટે કોઈ રસ્તો શોધીશું જેમની પાસે દસ્તાવેજ નથી, પરંતુ જેમની પાસે દસ્તાવેજો છે તેઓ સામાન્ય રીતે 85 ટકા કરતાં વધારે છે. કોઈ સમયમર્યાદા નથી.

તમે તમારી અનુકૂળતા મુજબ અરજી કરી શકો છો, તમારા ઉપલબ્ધ સમય મુજબ ભારત સરકાર તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે.  સરકાર તમને ડોક્યુમેન્ટ ઓડિટ અને રૂબરૂ મુલાકાત માટે બોલાવશે. 15 ઓગસ્ટ 1947 અને 31 ડિસેમ્બર 2014 વચ્ચે ભારતમાં પ્રવેશેલા તમામ લોકોનું અહીં સ્વાગત છે.

કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના પ્રશ્ન પર કે તેઓ તેમનાં રાજ્યોમાં CAA લાગુ નહીં કરે, કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું હતું  કે આપણા બંધારણના અનુચ્છેદ 11માં સંસદે નાગરિકતા સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર માત્ર અને માત્ર આપ્યો છે ભારતની સંસદને આપ્યો છે. આ કેન્દ્રનો વિષય છે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સામાન્ય વિષય નથી. મને લાગે છે કે ચૂંટણી પછી બધા સહકાર આપશે. તેઓ તુષ્ટિકરણની રાજનીતિ માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે.