હવે લગ્ન અને રિસેપ્શનમાં પણ CAA અને NRC નો વિરોધ!!

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધ દેશભરમાં રોડ પર અને કોલેજ પરિસરોમાં તો વિરોધ પ્રદર્શનો થઈ જ રહ્યા છે પરંતુ હવે કેરળમાં તો લગ્ન, પ્રી વેડિંગ શૂટ અને ક્રિસમસ સેલિબ્રેશન દરમિયાન પણ આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના વિભિન્ન વિસ્તારોના યુવાનોએ પોતાના લગ્નના ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા છે, જેમાં વર અને વધુ વિવાહ સ્થળો પર NO CAA અને NO NRC લખેલા પોસ્ટર્સ હાથમાં લઈને ઉભા છે અને એ પ્રકારના ફોટોઝ ક્લિક કરાવ્યા છે. આ ફોટોગ્રાફ્સ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

કેરળમાં જીએલ અરુણ ગોપી અને આશા શેખરે પોતાના પ્રી વેડિંગ શૂટમાં NO CAA, NO NRC ના પોસ્ટર્સ પકડીને ફોટોઝ ક્લિક કરાવ્યા છે, આ લોકોના લગ્ન 21 જાન્યુઆરી 2020 ના રોજ લગ્ન થવાના છે. ફોટોગ્રાફ્સ સીવાય કેટલાક એવા વીડિયો પણ વાયરલ થયા છે કે જ્યાં વર અને વધુ સીએએની ટીકા કરતા પોસ્ટર્સ લઈને રિસેપ્શન સ્થળ પર જતા દેખાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદો 18 ડિસેમ્બર 2019 ના રોજ રાજ્યસભામાં પારિત કરવામાં આવ્યો હતો. સીએબી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લોકોને ભારતીય નાગરિકતા આપે છે. સીએએ આ દેશોથી બિન-મુસ્લિમ શરણાર્થીઓને જલ્દી નાગરિકતા પ્રદાન કરે છે. આના વિરુદ્ધ દેશભરમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શનો જોવા મળી રહ્યા છે.