મુંબઈઃ મહારાષ્ટ્રમાં પાંચ ડિસેમ્બરે નવી સરકારના શપથગ્રહણ સમારોહનું લાન થઈ ચૂક્યું છે. નવી સરકારમાં CM પદ ભાજપ પાસે રહેશે, જ્યારે તેમની સાથે મહારાષ્ટ્રના બે નાયબ CM શપથ લેશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભાજપ 21થી 22 મંત્રાલયો પોતાની પાસે રાખશે.
ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ હશે. આ સિવાય મહારાષ્ટ્ર સ્પીકરપદ પણ ભાજપને મળી શકે છે. જોકે બાકી વિભાગો વિશે બાદમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યની નવી સરકારમાં એકનાથ શિંદેની શિવસેનાના 11થી 12 મંત્રીઓ હશે. જોકે અજિત પવારની NCP તરફથી સરકારમાં 10 મંત્રીઓ હશે. આ સિવાય એકનાથ શિંદેએ કેબિનેટમાં 16 મંત્રીઓની માગ કરી છે. એકનાથ શિંદે નાયબ CMના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ પાંચ ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં થશે, જેમાં PM નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વિશેષરૂપે પોતાની હાજરી આપશે.રાજ્યમાં ભાજપ ગૃહ અને મહેસૂલ વિભાગ પોતાની પાસે રાખે એવી શક્યતા છે. આ સાથે જ પાર્ટી સ્પીકર અને વિધાન પરિષદના ચેરમેનનું પદ પણ પોતાની પાસે રાખી શકે છે. NCPને નાણાં અને શિંદેને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. આ સિવાય બાકીના મંત્રાલયો પર બાદમાં ચર્ચા કરવામાં આવશે.
આ પહેલાં મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર બેઠક કરશે અને નવા CMથી લઈને મંત્રીમંડળના ફોર્મ્યુલા પર સંમતિ આપશે. જોકે ડેપ્યુટી CM એકનાથ શિંદે હજુ પણ અસ્વસ્થ છે. જેના કારણે સતત બેઠકો ટળી રહી છે. શિંદે અમુક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં છે. તેઓ તાવ અને કમજોરી જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે.