નવી દિલ્હીઃ શહેરના ભાજપાધ્યક્ષ આદેશ ગુપ્તાએ મંગળવારે નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે માગ કરી હતી કે દિલ્હીમાં મુગલ શાસકોનાં નામ પર રાખવામાં આવેલા મુખ્ય રસ્તાઓનાં નામ બદલીને દેશના બહાદુર બેટાનાં નામ પર રાખવામાં આવે.
ભાજપના દિલ્હીના વડાએ કોર્પોરેશનને પત્ર લખ્યો છે કે તુઘલખ રોડનું નામ બદલીને ગુરુ ગોવિંદ સિંહ, અકબર રોડનું નામ મહારાણા પ્રતાપ, ઔરંગઝેબ લેનનું નામ ડો. એપીજે અબ્દુલ કલામ લેન અને શાહજહાં રોડનું નામ જનરલ બિપિન રાવત રોડ કરવામાં આવે. બિપિન રાવત દેશના સૌપ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. આમાંથી કેટલાંક રસ્તાનાં નામ કોંગ્રેસ સરકારમાં બદલવામાં આવ્યાં હતાં. જ્યારે કેટલાંક નામ મોદી સરકારના કાર્યકાળમાં બદલવામાં આવ્યા છે. જોકે હજી ઘણા રહી ગયા છે, જેને બદલવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અકબર, હુમાયુ, બાબર અને ઔરંગઝેબ જેવા વિદેશી આક્રમણકારીઓનાં નામ પર રસ્તાઓના નામકરણ એ કોંગ્રેસની સરકારોના તુષ્ટિકરણના રાજકારણનો ભાગ હતા. તેમણે કહ્યું હતું કે રસ્તાઓનાં નામ મુગલ રાજાઓનાં નામ પર શું કામ છે હજી. ભાજપના નેતાએ કહ્યું હતું કે આ રસ્તાઓનાં નામ તો મુગલ રાજાઓના પ્રતીક સમાન છે, જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, ત્યારે આવા આક્રમણકારીઓને નામે રસ્તાઓનાં નામ ગુલામીનાં પ્રતીકો છે. જેથી આ રસ્તાઓનાં નામને તત્કાળ બદલાવ કરવામાં આવે એવી માગ તેમણે કરી હતી. તેમણે કહ્યું હતું કે એ ખેદજનક છે કે કોંગ્રેસે આટલાં વર્ષો સુધી ગુલામીનો બોજ ઉપાડ્યે રાખ્યો છે.