રાજદ્રોહના કાયદા પર પુનર્વિચાર કરોઃ સુપ્રીમકોર્ટ (કેન્દ્રને)

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના આરોપ લગાવતી પોલીસ એફઆઈઆર નોંધવાનું ટાળવાનો આજે આદેશ આપ્યો છે. રાજદ્રોહનો કાયદો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પરની સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે જ્યાં સુધી રાજદ્રોહને લગતી જોગવાઈની પુનઃ ચકાસણીનું કામ પૂરું ન થાય ત્યાં સુધી તેણે અને રાજ્યોની સરકારોએ રાજદ્રોહનો આરોપ લગાવતી કોઈ પણ પોલીસ એફઆઈઆર નોંધવી નહીં. આ મામલે સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી આવતા જુલાઇ મહિનામાં હાથ ધરશે.

દેશના ચીફ જસ્ટિસ એન.વી. રમનાની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે રાજદ્રોહ માટે ઘડાયેલા આરોપવાળા તમામ અનિર્ણિત કેસ, અપીલ અને કાનૂની કાર્યવાહીને હાલ સ્થગિત રાખવા. અદાલતોએ આવા કેસોમાં આરોપીઓને આપેલી રાહતો ચાલુ રાખવી. કાયદાનો દુરુપયોગ રોકવા માટે રાજ્યોને આદેશ આપવાની ભારત સંઘને સ્વતંત્રતા છે.