કૃષિ કાયદા મામલે RLPએ NDAનો સાથ છોડ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા લાગુ કર્યા તેના વિરોધમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માંથી એક વધુ પાર્ટી અલગ થઈ છે. પંજાબમાં શિરોમણી અકાલી દળ અલગ થયા બાદ હવે રાજસ્થાનમાં હનુમાન બેનીવાલની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)એ જાહેરાત કરી છે કે તે એનડીએથી અલગ થાય છે. બેનીવાલે રાજસ્થાનના અલવર જિલ્લાની સરહદ પર ખેડૂત દેખાવકારોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ખેડૂતોની વિરુદ્ધમાં હોય એવા કોઈની પણ સાથે અમે રહીશું નહીં. હું કંઈ એનડીએ સાથે ફેવિકોલથી જોડાયોનથી. બેનીવાલની પાર્ટી કેન્દ્રમાં તેમજ રાજસ્થાનમાં પણ ભાજપની સહયોગી હતી. બેનીવાલ રાજસ્થાનના નાગૌરના સંસદસભ્ય છે. કૃષિ કાયદાના અમલના વિરોધમાં તેમણે ત્રણ સંસદીય સમિતિઓ – ઉદ્યોગો, પેટ્રોલિયમ તથા નેચરલ ગેસ સમિતિઓમાંથી રાજીનામું પણ આપી દીધું છે.

દરમિયાન, આજે ખેડૂતોના આંદોલનનો 32મો દિવસ છે. ખેડૂત સંગઠનના નેતાઓએ કહ્યું છે કે તેઓ કૃષિ કાયદા મામલે મડાગાંઠ ઉકેલવા કેન્દ્ર સરકાર સાથે 29 ડિસેમ્બરે ફરી ચર્ચા કરવા તૈયાર છે.