વોશિંગ્ટનઃ યુક્રેન સંકટને લીધે અમેરિકા અને રશિયા વચ્ચે ટેન્શન ચરમસીમાએ છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને રશિયાને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો એ યુક્રેન પર હુમલો કરશે તો કોઈ નોર્ડ સ્ટ્રીમ-2 નહીં હોય. તેમણે કહ્યું હતું કે રશિયાની મહત્ત્વાકાંક્ષી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ નોર્ડ સ્ટ્રીમ-2ને રહેવા નહીં દેવાય. રશિયા યુક્રેન પર હુમલો કરશે તો રશિયાથી જર્મની જતી ગેસ પાઇપલાઇનને બ્લોક કરી દેવામાં આવશે, એની સામે રશિયાના વ્લાદિમિર પુતિને પલટવારે કર્યો હતો કે માત્ર અમેરિકા અને એના સહયોગીઓ જ આક્રમણ કરવાની વાત કરી રહ્યા છે.
પુતિન અને ફ્રાંસના ઇમાન્યુઅલ મેક્રોને મોસ્કોમાં પાંચ કલાકથી વધુ સમય સુધી મુલાકાત કરી હતી. જ્યારે બાઇડને જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જે યુદ્ધના સંકટને ઓછું કરવાના પ્રયાસો કરવા માટે વાત કરી હતી. બીજી બાજુ, રશિયાએ યુક્રેનની સરહદે હજારો સૈનિકોની સંખ્યા વધારી દીધી હતી, જેમાં પ્રતિ દિન એ વધારો કરી રહ્યું છે.
વાઇટ હાઉસે યુદ્ધની સંભાવનાઓ જોતાં રશિયાને ધમકી આપી હતી, કેમ કે બાઇડન યુરોપિયન સહયોગીઓની વચ્ચે અર્થતંત્રને મજબૂત કરવા માટે સહયોગ સાધી રહ્યા છે. તેમણે રશિયા હુમલો કરશે તો એની સામે પ્રતિબંધો લગાવવાની વાત પણ કરી હતી. રશિયા યુક્રેન પર હુમલો કરશે તો એણે આર્થિક મોટું નુકસાન થશે, પણ જર્મનીને ગેસ સપ્લાયની સમસ્યા ઊભી થશે, કેમ કે પાઇપપાઇનનું કામ પૂરું થઈ ચૂક્યું છે, પણ હજી એ ચાલુ નથી થઈ, એમ તેમણે કહ્યું હતું.