હિજાબ વિવાદઃ કર્ણાટકમાં 3-દિવસ શાળા-કોલેજો બંધ

બેંગલુરુઃ કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના મુદ્દે થયેલા વિવાદને પગલે રાજ્ય સરકારે આવતા ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન બાસવરાજ બોમ્બાઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. એમાં તેમણે લખ્યું છે કે, મારી તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા-કોલેજોનાં સંચાલકોને તેમજ કર્ણાટકની જનતાને અપીલ છે કે તેઓ શાંતિ અને કોમી એખલાસ જાળવે. મેં આગામી ત્રણ દિવસ માટે રાજ્યની તમામ હાઈસ્કૂલ અને કોલેજોને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લાગતાવળગતા તમામ લોકો સહકાર આપે એવી વિનંતી છે.

મુસ્લિમ છોકરીઓને કોલેજોમાં હિજાબ પહેરવા પર નિયંત્રણ મૂકાતાં ઉડિપી સરકારી કોલેજની પાંચ મહિલાએ કર્ણાટક હાઈકોર્ટમાં પીટિશન નોંધાવી છે. તેની પર કોર્ટ આવતીકાલે સુનાવણી પૂરી કરી પોતાનો નિર્ણય જાહેર કરે એવી ધારણા છે.

કર્ણાટક સરકારે કોલેજ કેમ્પસમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. એનો મુસ્લિમ છોકરીઓએ વિરોધ કર્યો છે. તેની સામે રાજ્યના ઘણા શહેરોમાં હિન્દુ છોકરાઓ કોલેજોમાં કેસરી રંગનો ખેસ, શાલ પહેરીને આવતા થયા છે. આને કારણે પરિસ્થિતિને કોમવાદી રંગ લાગવાનો ભય ઊભો થયો છે.