રાહુલના કોંગ્રેસ પ્રમુખ બન્યાં બાદ યુવા નેતાઓના આવી શકે છે ‘અચ્છે દિન’

નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટીના વર્તમાન ઉપપ્રમુખ રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે કમાન સંભાળ્યા બાદ પાર્ટીમાં બદલાવની શક્યતા જોવામાં આવી રહી છે. અને આ પ્રક્રિયા વધુ ઝડપી રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે. જેમાં યુવા નેતાઓને પાર્ટીમાં મોટી જવાબદારી સોંપવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોના મતે રાહુલના કોંગ્રેસ પ્રમુખ બન્યાં બાદ પાર્ટીના યુવા નેતાઓના ‘અચ્છે દિન’ આવી શકે છે.

જોકે બદલાવની આ પ્રક્રિયામાં વરિષ્ઠ નેતાઓને કિનારે પણ કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી દ્વારા જે મુખ્ય બદલાવ કરવામાં આવશે તેમાં પાર્ટીની આંતરિક પ્રક્રિયામાં યુવા નેતાઓની જવાબદારી વધારવાને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના ઉપપ્રમુખ બન્યા બાદ પાર્ટીની રાષ્ટ્રીય સમિતિમાં અનેક યુવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા દ્વારા જ યુથ કોંગ્રેસ અને NSUIના ડેલીગેટની નિમણૂક કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દ્વારા શરુ કરવામાં આવેલી આંતરિક લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા દેશભરમાં કોંગ્રેસના 9 હજાર ડેલીગેટ ચૂંટવામાં આવ્યા છે. આ બધા ડેલીગેટે સાથે મળીને એક સ્વરમાં રાહુલ ગાંધીને કોંગ્રેસના પ્રમુખ બનાવવાની વાતને સમર્થન આપ્યું હતું.

રાહુલ ગાંધી સામે સૌથી મોટો પડકાર પાર્ટીમાં નવા ચહેરા અને અનુભવી નેતાઓ વચ્ચે તાલમેલ જાળવવાનો રહેશે. નવી પેઢીના નેતાઓમાં રણદીપ સૂરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા, જતીન પ્રસાદ, અજય માકન, સચીન પાયલટ અને મિલિંદ દેવડા જેવા નેતાઓ છે. આ ઉપરાંત સિલચરથી સાંસદ અને મહિલા કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ સુષ્મિતા દેવીને પણ રાહુલની કોર કમિટીમાં સ્થાન મળે તેવી શક્યતા છે.