‘અધિકારીઓ કામ ન કરે તો બામ્બુથી મારો’

બેગુસરાઈ (બિહાર): કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન, ડેરી ફાર્મિંગ ખાતાઓના પ્રધાન ગિરિરાજસિંહ વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા છે. નવા નિવેદનમાં એમણે એમ લોકોને એવી સલાહ આપી છે કે જો તમારા મતવિસ્તારમાં બિનકાર્યક્ષમ અધિકારીઓ તમારી ફરિયાદ ન સાંભળે તો એમને બામ્બુથી મારજો.

પીટીઆઈ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, એક કૃષિ સંસ્થા યોજિત કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ભાજપના ઉગ્રમિજાજી નેતા ગિરિરાજસિંહે કહ્યું હતું કે સામાન્ય નાગરિકો તરફથી એમને અવારનવાર ફરિયાદો મળે છે કે સંબંધિત અધિકારીઓ એમની ફરિયાદો પર ધ્યાન આપતા નથી. ‘મારે લોકોને એમ કહેવું છે કે તમે લોકો આવી નાના બાબતો માટે મારી પાસે શા માટે આવો છો. સંસદસભ્યો, વિધાનસભ્યો, જિલ્લા પ્રમુખો, ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ, SDMs, BDos જેવા તમામ લોકો લોકોની સેવા કરવા બંધાયેલા છે. જો એ લોકો તમારી વાત ન સાંભળે તો હાથમાં બામ્બુ લો અને એમના માથા પર ફટકારો. જો એનાથી પણ તમારું કામ ન થાય તો ગિરિરાજ તમારી સાથે છે.’