હૈદરાબાદઃ AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના વલણનો તેમણે હંમેશાં વિરોધ કર્યો છે, પણ એની પર પ્રતિબંધ મૂકાયો છે એનું સમર્થન કરી શકાય નહીં. આ પ્રકારનો કઠોર પ્રતિબંધ ખતરનાક છે, કારણ કે આ એવા મુસ્લિમ પર પ્રતિબંધ છે જે પોતાના મનની વાત કહેવા માગે છે.
બીજી બાજુ, તેલંગણાના ભાજપ એકમે પીએફઆઈ કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે. પક્ષના તેલંગણા એકમના પ્રમુખ કે. કૃષ્ણસાગર રાવે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારનું આ કડક અને સમયસરનું પગલું છે. આનાથી એ સુનિશ્ચિત થશે કે વિભાજનકારી બળોને સામાજિક સંસ્થાઓની આડશમાં દેશમાં કોઈ પણ પ્રકારે એમનું રાષ્ટ્રીય નેટવર્ક સ્થાપવા દેવામાં આવશે નહીં. આટલા વર્ષોમાં બિન-ભાજપ રાજ્ય સરકારો લઘુમતીઓની આળપંપાળ કરવાના રાજકીય દબાણને વશ હતી, જેને કારણે પીએફઆઈ જેવી ખતરનાક સંસ્થાઓ રાષ્ટ્રીય સ્તરે ફેલાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, પીએફઆઈ સંગઠન દેશમાં હિંસાની ઘટનાઓમાં સંડોવાયેલું હોવાનું તેમજ આઈએસઆઈએસ જેવા જાગતિક આતંકવાદી જૂથો સાથે એને સંબંધ હોવાનું માલુમ પડ્યું હતું. તેથી કેન્દ્ર સરકારે પીએફઆઈ તથા એની સાથે સંકળાયેલા તમામ જૂથો, સંગઠનો, સંસ્થાઓ અને મોરચાઓ ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.