અમદાવાદઃ ગઈ કાલે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ ફાઈનલ મેચ વખતે ભારતના દાવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને ચાતરીને મેદાનમાં ઘૂસીને છેક પિચ સુધી પહોંચી ગયેલા વિદેશી ઘૂસણખોરને ગાંધીનગરની અદાલતે એક દિવસ સુધી – આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધી, પોલીસ રીમાન્ડ પર મોકલી આપ્યો છે. તે યુવક ઓસ્ટ્રેલિયાનો છે. તે સુરક્ષા બંદોબસ્તનો ભંગ કરીને મેદાનમાં છેક પિચ સુધી દોડી ગયો હતો અને વિરાટ કોહલીને ભેટ્યો હતો. તેણે ‘પેલેસ્ટાઈન પર બોમ્બમારો બંધ કરો’ એવું લખાણ લખેલું ટી-શર્ટ પહેર્યું હતું, મોઢા પર પેલેસ્ટાઈનના ધ્વજના રંગોવાળો માસ્ક પહેર્યો હતો અને LGBT સમાજનો રેનબો ફ્લેગ લઈને આવ્યો હતો.
સુરક્ષા જવાનોએ એને પકડી લીધો હતો અને અમદાવાદ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસનું કહેવું છે કે ઘૂસણખોર શખ્સનું નામ વેન જોન્સન છે અને તે ઓસ્ટ્રેલિયાનો વતની છે. પોલીસે આજે તેને કોર્ટમાં ઊભો કર્યો હતો અને 10-દિવસના રીમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે માત્ર એક જ દિવસના મંજૂર રાખ્યા છે.
તે ઘટનાને મેચના લાઈવ ટેલિકાસ્ટ વખતે બતાવવામાં આવી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા પર તે વ્યાપક રીતે વાઈરલ થઈ છે. તે ઘટનાની આકરી ટીકા થઈ છે. સ્ટેડિયમ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં આટલી મોટી ક્ષતિ રહી ગઈ તે બદલ વ્યવસ્થાતંત્રની ઝાટકણી કાઢવામાં આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરનું કહેવું છે કે આરોપી જોન્સન ફેમસ થવા માટે આવું કરતો હોય છે. એ આ પહેલાં ફિફા ફૂટબોલ સ્પર્ધા અને રગ્બીની મેચો વખતે પણ મેદાનમાં ઘૂસ્યો હતો. ફીફા મેચમાં ઘૂસવા બદલ એને 500 ડોલર અને રગ્બી માટે 200 ડોલરનો દંડ કરાયો હતો. પેલેસ્ટાઈન સાથે આરોપીને કોઈ લેવાદેવા નથી. આરોપી સીડની શહેરમાં કડિયાકામ અને સોલાર ફિટિંગનું કામ કરે છે.