આવતા વર્ષે દેશની તમામ ટ્રેનોમાં ટક્કર-વિરોધી યંત્ર ‘કવચ’ બેસાડવામાં આવશે

નવી દિલ્હીઃ ગયા શુક્રવારની ગોઝારી સાંજે ઓડિશાના બાલાસોરમાં 300 જેટલા લોકોનો ભોગ લેનાર અને 900થી વધારે પ્રવાસીઓને ઈજાગ્રસ્ત કરી દેનાર ત્રણ ટ્રેનો વચ્ચેના ભીષણ અકસ્માતને કારણે કેન્દ્ર સરકાર અમુક પગલાં લેવામાં હવે ઝડપ કરવાની છે. તે આવતા વર્ષમાં તમામ ટ્રેનોમાં ટ્રેન કોલિઝન અવોઈડન્સ સિસ્ટમ (TCAS) (ટક્કર-વિરોધી ઉપકરણ) ‘કવચ’ યંત્ર બેસાડી દેશે. આ યંત્રની ગયા વર્ષે અજમાયશો કરવામાં આવી હતી.

રેલવે મંત્રાલયના પ્રવક્તા અમિતાભ શર્માના જણાવ્યા મુજબ, ‘કવચ’ ટેક્નોલોજીનો ઉપયોગ અનેક રેલવે લાઈનો પર કરવાની સરકારે મંજૂરી આપી છે. તે હવે આખા દેશમાં ઉપયોગમાં લેવામાં આવશે. TCAS યંત્રની ટેક્નોલોજી એવા પ્રકારની છે કે જો એક જ પાટા પર ભયજનક અંતરમાં બે ટ્રેન ભેગી થઈ જશે તો એમની બ્રેક આપોઆપ લાગી જશે. રેલવે તંત્ર અત્યારે પણ ‘કવચ’ ઉપકરણનો ઉપયોગ કરે છે, પરંતુ એ જૂની ટેક્નોલોજીવાળા છે. આ યંત્ર ત્યારે જ કામ કરે છે જ્યારે ટ્રેનોના એન્જિન નજીકમાં હોય. જો મુખ્ય એન્જિન લાલ સિગ્નલ પાર કરી દે તે પછી એમાં ઓટોમેટિક બ્રેક લાગતી નથી. જ્યારે નવી ટેક્નોલોજીમાં એ ઉણપ દૂર કરવામાં આવી છે. TCAS ટેક્નોલોજી સ્વદેશી ઢબે તૈયાર કરવામાં આવી છે.