પટનાઃ બિહારમાં પૂલ તૂટી પડવાની ઘટના છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામાન્ય થઈ ગઈ છે. જેથી રાજ્યમાં ચાલી રહેલા પૂલના બાંધકામને લઈને વહીવટી તંત્ર પર સવાલો ઊભા થઈ રહ્યા છે. હજી બે દિવસ પહેલાં અરરિયામાં એક નિર્માણાધીન પૂલ તૂટ્યો હતો. હવે સિવાનમાં એક પૂલ તૂટવાની ઘટના બની છે. જેને આવાગમનમાં અડચણ ઊભી થઈ છે અને લોકો ફસાઈ ગયા છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત નથી થઈ.
સિવાનમાં અચાનક પૂલનો એક પાયો જમીનમાં ધસવા લાગ્યો હતો અને પૂલ નહેરમાં સમાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં બે ગામની વચ્ચે આવાગમન ખોરવાયું છે અને લોકો પૂલના નિર્માણ કાર્યને લઈને સ્થાનિક વહીવટી તંત્ર પર સવાલ ઉઠાવવા માંડ્યા છે.
આ પૂલ તૂટવાને લઈને સ્થાનિક ગ્રામીણોનું કહેવું છે કે 30 વર્ષ પહેલાં સરકારે આ પૂલનું નિર્માણ કરાવ્યું હતું. થોડા દિવસો પહેલાં વિભાગે નહેરની સાફસફાઈ કરાવી હતી. નહેરની માટી પણ નહેરના બાંધ પર ફેંકી દીધી હતી. જેથી પૂલનો પાયો નબળો પડ્યો હતો અને એ પાયો આજે તૂટી ગયો હતો. આ ઘટના પછી વહીવટી તંત્રએ તપાસ ટીમની રચના કરી છે.
આ પહેલાં રાજ્યમાં અરરિયામાં બકરા નદી પરનો પૂલ ધરાશાયી થયો હતો, જેનું ઉદઘાટન થવાનું હતું. બકરા નદી પર ગ્રામીણ કાર્ય વિભાગે રૂ. 12 કરોડના ખર્ચે એ પૂલ બનાવ્યો હતો. અધિકારીએ આ પૂલ તૂટવાનું કારણ પૂલના બાંધકામમાં વપરાયેલી હલકી ગુણવત્તાની સામગ્રી નહીં, પણ નદીને કારણે પૂલ ધ્વસ્ત થયો હોવાની વાત કહી હતી.