ઝારખંડ ચૂંટણી પ્રચારઃ રાહુલને ચર્ચા કરવા માટે શાહનો પડકાર

રાંચી: ઝારખંડ વિધાનસભા ચુંટણીના કારણે ચુંટણી પ્રચાર જોર  શોરમા ચાલી રહ્યો છે. સોમવારે ચક્રધરપુરમા રેલીને સંબોધિત કરતા અમિત શાહે ઝારખંડના વિકાસ પર ચર્ચા કરવા માટે રાહુલ ગાંધીને ઓપન ચેલેન્જ આપી છે. અહીં ચૂંટણી રેલીને સંબોધિત કરતા શાહે દાવો કર્યો કે, છેલ્લા પાંચ વર્ષમાં રઘુબર દાસના શાસન કાળમાં ન કોઈ કૌભાંડ થયું છે કે ન તો તેમના પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ લાગ્યો છે.

ભાષણ દરમ્યાન શાહે રાહુલ ગાંધીની સોમવારે ઝારખંડમાં સિમડેગા ચૂંટણી સભાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજ રાહુલ બાબા પણ ઝારખંડમાં છે અને હું તેમને ઓપન ચેલેન્જ આપુ છું કે, તે તેમની કોંગ્રેસ પાર્ટીના 55 વર્ષના શાસન અને છેલ્લા પાંચ વર્ષમાં ભાજપના શાસનકાળમાં થયેલા કામકાજ ઉપર ચર્ચા કરે.

અમિત શાહ આકરા પ્રહાર કરતા બોલ્યા કે, તમે જણાવો કે દેશમાથી ઘુસણખોરો જવા જોઇએ કે નહીં? કોંગ્રેસની પાર્ટી કહે છે કે, એનઆરસી લાવો નહીં, ઘુસણખોરોને કાઢી મૂકો નહીં. જે બોલવું હોય તે બોલો પરંતુ હવે PM નરેન્દ્ર મોદી અને બીજેપી સરકાર સમગ્ર દેશમા એનઆરસી લાગુ કરશે અને ઘુસણખોરોને ગણી  ગણીને હાંકી કાઢશે.

અમિત શાહે કોંગ્રેસ અન એનસીપી પર પ્રહાર કરતા કહ્યુકે, જ્યારે અલગ ઝારખંડ માટે આંદોલન ચાલી રહ્યુ હતુ તો તે સમયે યુવાનો ઉપર કોંગ્રેસ પાર્ટીએ ગોળીઓ ચલાવડાવી અને દંડા વરસાવવાનો આદેશ આપ્યો. અમિત શાહે કહ્યુ કે, જે કોંગ્રેસ ઝારખંડની રચનાનો વિરોધ કરતી હતી આજે જેએમએમનાં નેતા હેમંત સોરેન તે જ કોંગ્રેસ પાર્ટીનાં ખોળામાં બેસીને મુખ્યમંત્રી બનવા માટે નીકળ્યા છે.

બીજેપી અધ્યક્ષ અમિત શાહે એકવાર ફરીથી રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીનાં નેતા સુપ્રીમ કોર્ટમાં જઈને કહેતા હતા કે, રામજન્મભૂમિનો કેસ ચલાવવાની જરૂર નથી. અમિત શાહે કહ્યુ કે, તમારા લોકોની તાકાતથી અમે લોકોએ આગ્રહ કર્યો કે, કેસ ચાલવો જોઈએ. હવે પરિણામ એ છે કે, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યુ છે. હવે અયોધ્યામાં આકાશને આંબતુ રામમંદિર બનશે. ઉલ્લેખનીય છે કે, 7 ડિસેમ્બરે ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન છે. આ દિવસે 20 વિધાનસભા સીટો પર મતદાન થશે.