પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ખામી? ઘરમાં ઘૂસી ગઈ અજાણી ગાડી…

નવી દિલ્હી: એસપીજી સુરક્ષા હટાવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘરે સુરક્ષાના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. એક અઠવિડિયા પહેલા કોઈની પરવાનગી લીધા વગર સેલ્ફી લેવા માટે કેટલીક અજાણી વ્યક્તિઓએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો હોવાના સમાચાર બહાર આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, 26 નવેમ્બરે 2 વાગ્યાની આસપાસ તેમના ઘરમાં એક અજાણી ગાડી ઘૂસી આવી હતી જેમાં કેટલાક લોકો સવાર હતા.

આ ગાડીમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ તેમજ એક બાળક સવાર હતા.  જ્યારે તેઓ ગાડીમાંથી ઉતર્યા તો પ્રિયંકા ગાંધી તેમને મળ્યા અને પૂછ્યું કે તેઓ ક્યાંથી આવ્યા. તેના જવાબમાં તેઓએ જણાવ્યું કે તેઓ પ્રિયંકા ગાંધીના મોટા પ્રશંસક છે અને તેમને મળવા આવ્યા છે. જે સમયે આ ગાડી ઘરમાં ઘુસી તે સમયે પ્રિયંકા ગાંધી એક મહત્વની બેઠક યોજી રહ્યા હતા.

ઘટના બાદ પ્રિયંકા ગાંધીની ઓફિસે સીઆરપીએફના આઇજીને એક પત્ર લખી સુરક્ષામાં ખામી હોવાનું જણાવ્યું છે. જે બાદ સીઆરપીએફ અને દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં રહી ગયેલી ખામીનું ઠીકરું એકબીજા પર ફોડ્યું. સીઆરપીએફે તેમની દલીલમાં કહ્યું કે આ જવાબદારી દિલ્હી પોલીસની છે. તો દિલ્હી પોલિસનું કહેવું છે કે તેમને કોઇએ ગેટ ખોલવાનું ગ્રીન સિગ્નલ આપ્યું હતું એ પછી જ તેમણે દરવાજો ખોલ્યો હતો.

પહેલા જેવી જ મળી રહી છે સુરક્ષા

કેન્દ્ર સરકારે ભલે ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી ખેચી લીધી હોય પણ તેમની સુરક્ષામાં કોઈ ખામી નથી આવી. તેમની સુરક્ષામાં ન માત્ર એસપીજી દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો અને ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ સીઆરપીએફના એ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે, જે અગાઉ એસપીજીમાં કામ કરી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે ભવિષ્યમાં કોઈ પણ પૂર્વ પીએમના પરિવારને આ પ્રકારની સુરક્ષા ન ઉપલબ્ધ કરાવવા માટે એસપીજી કાયદામાં સુધારાનું બિલ લોકસભામાં રજૂ કર્યું છે.