અમરનાથ યાત્રાનું ફૂડ મેનૂઃ જલેબી, શીરો-પુરી, સમોસા પર પ્રતિબંધ છે

નવી દિલ્હીઃ આ વર્ષની અમરનાથ યાત્રા માટે નામ-નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 62-દિવસની ધાર્મિક યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટે સમાપ્ત થશે. બાબા અમરનાથની પવિત્ર ગુફા જમ્મુ અને કશ્મીરના પાટનગર શહેર શ્રીનગરથી 141 કિ.મી. દૂર ખીણવિસ્તારમાં આવેલી છે. સમુદ્રની સપાટીથી તે સ્થળ 12,756 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. કોતરો અને પહાડોથી ઘેરાયેલો આ ગુફા-વિસ્તાર વર્ષનો ઘણો ખરો ભાગ બરફથી છવાયેલો રહેતો હોય છે.

અમરનાથ યાત્રામાં સામેલ થનારાઓએ અનેક નિયમોનું પાલન કરવું પડે છે. ખાદ્ય પદાર્થોની યાદીમાંથી ઘણી ચીજોને હટાવી દેવામાં આવી છે જે યાત્રીઓના આરોગ્ય માટે હાનિકારક હોવાનું માલૂમ પડ્યું છે. આમાં જલેબી, શીરો-પુરી, છોલે-ભટૂરે જેવી ચીજોનો સમાવેશ થાય છે. ઠંડા પીણા ઉપર પણ પ્રતિબંધ છે. અમરનાથ યાત્રા ખૂબ કઠિન પ્રકારની હોવાથી યાત્રાનું સંચાલન કરનાર શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડે અનેક ખાદ્યપદાર્થો-પીણાં ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

યાત્રાળુઓ માટે જે ખાદ્યપદાર્થો વેચવાની મંજૂરી અપાઈ છે તેની યાદી (ફૂડ મેનૂ) નક્કી કરવામાં આવ્યું છે અને યાત્રા વિસ્તારમાં સેવા બજાવી રહેલી લંગર સંસ્થાઓ, ફૂડ સ્ટોલ, દુકાનોના માલિકોને તે સુપરત કરવામાં આવ્યું છે. તેમણે આ ફૂડ મેનૂ પ્રમાણે જ ખાદ્યપદાર્થો વેચવાના રહે છે. આનો ઉદ્દેશ્ય તીર્થયાત્રીઓને પહાડી માર્ગે તેમજ ઊંચા ચઢાણવાળી 14-કિ.મી.ની કઠિન યાત્રા કરતી વખતે બિનઆરોગ્યપ્રદ ચીજો ખાતા-પીતાં રોકવાનો છે.

ગયા વર્ષની યાત્રા દરમિયાન 42 યાત્રીઓનું કુદરતી કારણોસર મૃત્યુ નિપજ્યું હતું. યાત્રાળુઓને સુરક્ષિત રાખવા માટે સરકાર અનેક પગલાં લેતી રહે છે. જેમ કે તેણે યાત્રાના રૂટ પર અનેક સ્થળે ઓક્સિજન બૂથ મૂક્યા છે અને કામચલાઉ હોસ્પિટલો બનાવી છે.

ધાર્મિક કારણોસર ભોજનના મેનૂમાં માંસાહારી ચીજો, આલ્કોહોલ, તમાકુ, ગુટકા, પાન મસાલાનો વપરાશ કરવા પર પ્રતિબંધ છે. ધૂમ્રપાન ઉપર પણ પ્રતિબંધ છે. એરેટેડ કોલ્ડ ડ્રિન્ક્સ વેચવા-વાપરવાની મનાઈ છે. જોકે હર્બલ ચા, કોફી, ઓછી ચરબીયુક્ત દૂધ, ફળોનાં રસ, લેમન સ્ક્વોશ, વેજિટેબલ સૂપ જેવી ચીજોને સફર દરમિયાન પીવાની મંજૂરી અપાઈ છે. ફ્રાઈડ રાઈસની પરવાનગી નથી, પરંતુ સાદા ભાત, શેકેલા ચણા, પૌવા, ઉતપ્પા, ઈડલી, દાળ-રોટલી, ચોકલેટની પરવાનગી છે. ખજૂર, ડ્રાઈફ્રૂટ, મધ, ખીર, બાફેલી મીઠાઈની પણ પરવાનગી છે. પરંતુ, છોલે-ભટૂરે, પુરી, પિઝા, બર્ગર, ઢોસા, ચાઉમીન ખાવાની પરવાનગી નથી.

તમામ હલવાઈ ફૂડ, જેમ કે, શીરો (હલવો), જલેબી, ગુલાબજાંબુ, લાડુ, બરફી, રસગુલ્લા, ચરબીયુક્ત નાશ્તાની ચીજો (જેવી કે કૂરકૂરે, નમકીન), સમોસા, પકોડા, ભજીયા ઉપર પણ પ્રતિબંધ છે.