નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષની અમરનાથ યાત્રા પર અનેક પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કશ્મીર સ્થિત હિન્દુઓના સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ અમરનાથ ગુફા-મંદિર માટે સુપ્રીમ કોર્ટે એક પેટા-સમિતિની રચના કરી છે, જેનું અધ્યક્ષપદ ચીફ સેક્રેટરી બી.વી.આર. સુબ્રમણ્યમે લીધું છે. આ સમિતિની ગઈ કાલે બેઠક યોજાઈ હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે આ વર્ષે અમરનાથ યાત્રાનું સ્વરૂપ સીમિત રાખવામાં આવશે, યાત્રા પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા અને કોવિડ-19 રોગચાળા સંબંધિત સાવચેતીઓ વચ્ચે યોજવામાં આવશે.
ગઈ કાલે બાબા બર્ફાનીની આરતી પણ કરવામાં આવી હતી. અમરનાથ આરતી-પૂજાનું રોજ દૂરદર્શન ચેનલ પર સવાર-સાંજ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
રોડ માર્ગે 3,880 મીટરની ઉંચાઈ પર આવેલા પવિત્ર અમરનાથ મંદિર-ગુફા 21 જુલાઈથી શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે. આ વખતે રોજ વધુમાં વધુ માત્ર 500 યાત્રીઓને જ જવાની પરવાનગી આપવામાં આવશે.
કોરોના બીમારીને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રચાયેલી સ્ટેટ એક્ઝિક્યૂટિવ કમિટીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ્સ (SoPs) ઈસ્યૂ કર્યા છે જે અંતર્ગત જમ્મુ-કશ્મીરમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓ માટે 100 ટકા RTPCR ટેસ્ટનો સમાવેશ કરાશે.
જમ્મુ-કશ્મીરમાં પ્રવેશનાર તમામ વ્યક્તિના તબીબી નમૂના લેવામાં આવશે, એની ટેસ્ટ કરવામાં આવશે અને જ્યાં સુધી વ્યક્તિનો ટેસ્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી એને આગળ વધવાની પરવાનગી આપવામાં નહીં આવે. યાત્રીઓ સહિત તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પૂરું પાલન કરવાનું રહેશે.
અગાઉ એવી વાત હતી કે બે માર્ગે – અનંતનાગથી પહલગામ અને ગંડેરબલથી બાલતાલથી 42-દિવસ સુધી ચાલનારી યાત્રા 23 જૂનથી શરૂ કરાશે, પરંતુ કોરોના મહામારીને કારણે એમાં વિલંબ થોય છે અને હવે આ યાત્રા માત્ર 15 દિવસ સુધીની જ રખાશે.