પાણીપૂરી વેન્ડિંગ મશીન સોશિયલ મિડિયા પર છવાઈ ગયું

મુંબઈઃ ભારતમાં ટેલેન્ટેડ લોકોની કોઈ કમી નથી. હાલ જ્યારે આખા દેશમાં કોરોના વાઈરસ ફેલાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળતા ગભરાય છે અને જાહેર સ્થળોએ જવાનું ટાળે છે. આવી પરિસ્થિતિમાં રોડ પરના ફૂડ સ્ટોલ્સ અને ખાદ્યપદાર્થોની લારીઓને સૌથી મોટો માર પડ્યો છે. ખાસ કરીને પાણીપૂરીવાળાઓની હાલત કદાચ વધારે કફોડી થઈ ગઈ છે. આ બીમારીએ રોડ પર ઊભીને પાણીપૂરી વેચતા લોકોના ધંધા-રોજગાર પર પાણી ફેરવી નાખ્યું છે તો પાણીપૂરી જેવી સ્વાદિષ્ટ વાનગીના શોખીનોનો ખાવાનો આનંદ પણ ઝૂંટવી લીધો છે.

આવા ભયાનક રોગચાળા અને લોકડાઉનની વિષમ પરિસ્થિતિમાં પણ ગુજરાતના એક વેપારીએ એટીએમ મશીનમાંથી જેમ ચલણી નોટો બહાર આવે છે તેવી જ રીતે પાણીપૂરી આપતું વેન્ડિંગ મશીન બનાવ્યું છે.

આ ઓટોમેટિક મશીનમાં વીસ રૂપિયાની નોટ ઈન્સર્ટ કરવાથી એક પછી એક પાણીપૂરી બહાર આવે છે.

એક અન્ય એન્જિનિયરે આવું જ પણ જુદી ટાઈપનું પાણીપૂરી વેન્ડિંગ મશીન બનાવ્યું છે. એ મશીનમાં 10 રૂપિયાની નોટ નાખવાથી પાણીપૂરી ભરેલી પ્લેટ બહાર આવે છે.

આ મશીનો આસપાસના વિસ્તારોમાં ઘણા લોકપ્રિય થઈ ગયા છે.

વીસ રૂપિયાની નોટ કે દસ રૂપિયાની નોટ કે સિક્કો નાખો એટલે બરાબર ગણીને પાણીપૂરી મશીનમાંથી બહાર આવે છે.

આ મશીનો બેન્કિંગ એટીએમ મશીનો જેટલી જ સરળતાથી કામ કરે છે.

અહેવાલ મુજબ, ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ડિસા તાલુકાના રવિયાણા ગામમાં રહેતા ભરત પ્રજાપતિ આમ તો માત્ર એસએસસી સુધી જ ભણ્યા છે, પણ મોબાઈલ ફોનની દુકાન ચલાવે છે. એમને વિચાર આવ્યો હતો પાણીપૂરીનું મશીન બનાવાય તો કેવું. એ માટે એમણે અનેક જગ્યાએથી છૂટા ભાગો એકત્ર કર્યા.

મોદી સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’ના આગ્રહ, કોરોના વાઈરસ સંકટમાં સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો સહિત અનેક કોન્સેપ્ટને આ મશીન એકદમ પૂરા કરે છે.

મશીનનું બટન દબાવતાં જ સ્ક્રીન પર તમને રૂપિયાનો વિકલ્પ પસંદ કરવાનું દર્શાવવામાં આવે છે. 10 રૂપિયાની નોટ કે સિક્કો કે 100 રૂપિયાના મૂલ્ય સુધીની નોટ આ મશીનમાં નાખી શકાય છે. પૈસા નાખતા જ મશીનમાંથી એટલી કિંમતની પાણીપૂરીઓ લાઈનબંધ નીકળવાનું શરૂ થઈ જાય છે.

આ મશીન સોશિયલ મિડિયા પર છવાઈ ગયું છે.

વિડિયોમાં એક માણસ સમજાવે છે કે ઓટો પાણીપૂરી સેન્ટર નામના મશીનમાંથી પાણીપૂરી કેવી રીતે બહાર આવે છે. એ માણસ મશીનની અંદર ચલણી નોટ ઈન્સર્ટ કરે છે અને જરૂરી સંખ્યાની પાણીપૂરીઓ મશીનમાં બેસાડવામાં આવેલા કન્વેયર બેલ્ટ જેવા ભાગમાંથી બહાર આવે છે.

વ્યક્તિ જ્યારે એક પાણીપૂરી ઉઠાવી લે કે તરત બીજી બહાર આવે – ઓટોમેટિક રીતે. આમ, તમારી પાણીપૂરીને તમારી સિવાય કોઈ પણ અન્ય વ્યક્તિ હાથ લગાવતી નથી.

આ મશીનને બનાવતા છ મહિના લાગ્યા હોવાનું તે માણસ જણાવે છે.

આસામના નાયબ પોલીસ વડા હાર્દી સિંહે પણ આ મશીનને એમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.