નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ આજે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે, સરકાર વિપક્ષના મંતવ્યો સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કહ્યું કે અર્થવ્યવસ્થા સહિત તમામ મુદ્દાઓ પર સાર્થક અને વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. અર્થવ્યવસ્થાને વૈશ્વિક સંદર્ભે જોવાની જરૂર છે, ભારત તેનો ફાયદો ઉઠાવી શકે છે. સંસદના 31 જાન્યુઆરીથી શરુ થતાં બજેટ સત્ર પહેલા આયોજીત સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ સીએએ, એનપીઆર, એનઆરસી, અર્થવ્યવસ્થાની સ્થિતિ, કશ્મીરની સ્થિતિ સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા અને તેના પર ચર્ચાની માંગ કરી.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી વગેરે હાજર રહ્યા. બેઠક પછી રાજ્યસભમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સીએએ વિરુદ્ધ પ્રદર્શનો પર સરકારનું વલણ તેનો અંહકાર બતાવે છે, સરકારે પ્રદર્શનકારીઓ સાથે સંપર્ક કરવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. આઝાદે વધુમાં કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે, બેરોજગારી આકાશ આંબી રહી છે, કશ્મીરમાં ત્રણ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. અમે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ.