આજથી બે દિવસ બેન્ક હડતાળ છે; ATM સેવાને પણ અસર થઈ શકે છે

મુંબઈ – જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓના સંગઠનો આજથી બે દિવસ માટે રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. એને કારણે બેન્કિંગ સેવાઓને માઠી અસર પડી શકે છે.

કર્મચારીઓના પગાર વધારાના મુદ્દે બેન્કોના વહીવટીતંત્ર સાથે થયેલી વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કર્મચારીઓના સંગઠનોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. બેન્ક કર્મચારીઓના સંગઠનો કર્મચારીઓના પગારમાં 20 ટકા વધારાની માગણી કરી રહ્યા છે. ભૂતકાળમાં કરાયેલી પગાર સમજૂતી અનુસાર એમને કર્મચારીઓને 15 ટકા પગાર વધારો મંજૂર કરાયો હતો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું છે કે બેન્કકર્મીઓની હડતાળને કારણે એસબીઆઈની કામગીરીઓ ખોરવાઈ જવાનો સંભવ છે.

હડતાળને કારણે રોકડ જમા કરાવવા, ઉપાડવા, ચેક ક્લીયરન્સ, ઈન્સ્ટ્રૂમેન્ટ (ચેકબુક સહિત) ઈસ્યૂ કરવા, લોન છૂટી કરવા જેવી કામગીરીઓને અસર પડી શકે છે.

ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના એક ટોચના સભ્યના જણાવ્યા મુજબ હડતાળમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કોના 10 લાખ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાશે. દેશભરમાં બે દિવસ સુધી 80 હજાર બેન્ક શાખાઓ બંધ રહેશે.

જોકે ખાનગી ક્ષેત્રની ICICI Bank અને એચડીએફસી બેન્ક ખુલ્લી રહેશે.

આજથી બે દિવસ હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. શુક્રવાર-શનિવાર હડતાળ અને રવિવારે અઠવાડિક રજાને કારણે. બેન્કો હવે સોમવારે 3 ફેબ્રુઆરીએ ખૂલશે.

3 દિવસ બેન્કિંગ કામગીરીઓ બંધ રહેશે એટલે એટીએમ મશીનોમાં પણ ચલણી નોટો ખલાસ થઈ જવાનો સંભવ રહેશે.

દેશભરમાં કુલ 9 બેન્ક કર્મચારી સંગઠનો હડતાળમાં જોડાયા છે. આ તમામ સંગઠનો યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેજા હેઠળ એકત્ર થયા છે.

આવતીકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે દેશભરમાં બેન્કકર્મચારીઓ હડતાળ પર હશે.