ભારતીય હવાઈ દળે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી ‘સ્વચ્છતા ઝૂંબેશ’ને સર્વપક્ષીય બેઠકે બિરદાવી

નવી દિલ્હી – વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે આજે કહ્યું કે અંકુશ રેખાની પેલે પાર જઈને ભારતીય હવાઈ દળે કરેલા હવાઈ આક્રમણ માટે દેશના તમામ રાજકીય પક્ષોએ કેન્દ્ર સરકારને સમર્થન કર્યું છે. આજે અહીં બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોએ ભારતીય હવાઈ દળના પરાક્રમની સરાહના કરી હતી.

આ બેઠક સુષમા સ્વરાજે બોલાવી હતી અને ભારતીય હવાઈ દળે હાથ ધરેલા આક્રમણ વિશે વિરોધ પક્ષો તથા મિત્ર પક્ષોને માહિતગાર કર્યા હતા.

સુષમા સ્વરાજે તમામ નેતાઓને જાણ કરી હતી કે એમણે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ સંગઠનની ત્રાસવાદી કેમ્પ્સ પર ભારતીય હવાઈ દળે કરેલા આક્રમણ વિશે અમેરિકાના વિદેશ પ્રધાન માઈકલ પોમ્પીઓ સાથે વાતચીત કરી હતી.

બેઠક બાદ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જમ્મુ-કશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, અમે સશસ્ત્ર દળોની કામગીરીની પ્રશંસા કરી છે. ત્રાસવાદનો અંત લાવવા માટે એમને અમારો ટેકો હંમેશાં રહેશે. બીજી સારી વાત એ છે કે એ કામગીરી એકદમ ક્લીન હતી, જેમાં ત્રાસવાદીઓ તથા ત્રાસવાદી શિબિરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

સ્વરાજે કહ્યું કે, મને એ વાતનો આનંદ છે કે તમામ પક્ષોએ એક જ અવાજે સુરક્ષા દળોની પ્રશંસા કરી હતી અને મોદી સરકારની ત્રાસવાદ-વિરોધી કામગીરીને ટેકો આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]