ટેરર કેમ્પ્સનો ખાતમો કરનાર મહાબલી મિરાજ…

ભારતીય હવાઈ દળે 26 ફેબ્રુઆરીના મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાં સક્રિય ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની છાવણીઓનો નાશ કરી નાખ્યો. રાતે ઊંઘી રહેલા 350 જેટલા ત્રાસવાદીઓને કાયમને માટે પોઢાડી દીધા. હવાઈ દળે આ માટે મિરાજ-2000 ફાઈટર જેટ વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

આ ફ્રેન્ચ બનાવટના મિરાજ-2000 વિમાનોની ખાસિયત એ છે કે તે એવા ફાઈટર જેટ છે જે ખૂબ દૂર સુધી ઘૂસીને આક્રમણ કરી આવે છે. તે એક સાથે અનેક પ્રકારની ભૂમિકા ભજવવા સક્ષમ હોય છે. આ સિંગલ-એન્જિન ફાઈટર જેટ એક સાથે અનેક બોમ્બ અને મિસાઈલો ઝીંકવા માટે સક્ષમ છે. આમાં લેસર-ગાઈડેડ બોમ્બનો પણ સમાવેશ થાય છે.

મિરાજ-2000 વિમાન પ્રતિ કલાક 1,680 માઈલની ઝડપે ઉડે છે. આ સ્પીડ સાથે આ જેટ વિમાન બીજા દેશની હવાઈ સીમામાં આસાનીથી પ્રવેશી શકે છે.

પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર પરોઢિયે સૌથી મોટો હુમલો કરવા માટે મિરાજ-2000 વિમાનોનો કાફલો પસંદ કરવામાં આવ્યો હતો. આનું મુખ્ય કારણ એ છે કે આ વિમાનો લાંબી રેન્જ પર રહેલા લક્ષ્યાંકો પર ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આ વિમાનો ટાર્ગેટ પર એક સાથે અનેક સંખ્યામાં બોમ્બ ઝીંકવાની સચોટતા ધરાવે છે. ફાઈટર જેટના પાઈલટો માત્ર 21 મિનિટમાં કામ પતાવીને દેશમાં સહીસલામત રીતે પાછા આવી ગયા હતા. આ વિમાનો દ્વારા ભારતે કરેલા હુમલામાં કોઈ સ્થાનિક નાગરિકો માર્યા ગયા નહોતા કે ત્યાંની કોઈ જાહેર સંપત્તિ-મિલકતને નુકસાન પણ થયું નહોતું. માત્ર ત્રાસવાદીઓના અડ્ડાઓનો ભૂક્કો બોલાવી દેવામાં આવ્યો હતો.

ભારતીય હવાઈ દળના વડા – એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ

ગઈ 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં 40 સીઆરપીએફ જવાનોનો ભોગ લેનાર આત્મઘાતી આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ સંગઠને લીધી હતી એટલે એની પર ત્રાટકીને શહીદ જવાનોના મોતનો બદલો લેવો જરૂરી હતો.

મિરાજ વિમાનો ફ્રાન્સની એરોસ્પેસ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની દસોલ્ટ એવિએશન બનાવે છે. ભારત પાસે મિરાજ-2000 વિમાનોની ત્રણ સ્ક્વોડ્રન છે. આ સ્ક્વોડ્રનને મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં રાખવામાં આવી છે.

મિરાજ-2000 વિમાનોમાં થેલ્સ-RDY 2 રડાર ફિટ કરેલું છે જે 100 ટકા સચોટતા સાથે ટાર્ગેટ પર હુમલો કરવાની તાકાત ધરાવે છે. મતલબ કે એની કામગીરીની સફળતાની ગેરન્ટી 100 ટકા રહે છે.

ભારતે લગભગ 30 વર્ષ પહેલાં તેના હવાઈ દળમાં મિરાજ જેટ વિમાનોને સામેલ કર્યા હતા. એને આશરે રૂ. 20 હજાર કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવતા રહ્યા છે.

જોકે રફાલ જેટ વિમાનો મળી ગયા બાદ ભારતીય હવાઈ દળની તાકાત વધી જશે, કારણ કે એ મિરાજ કરતાં વધારે લાંબી રેન્જ પરના ટાર્ગેટ પર ત્રાટકવા સક્ષમ હોય છે. ભારતે રૂ. 58,000 કરોડના ખર્ચે 36 રફાલ વિમાન ખરીદવાનો સોદો કર્યો છે. પહેલું રફાલ વિમાન આ વર્ષના સપ્ટેંબરમાં મળવાની ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]