અયોધ્યા માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની પહેલી ફ્લાઈટ 30 ડિસેમ્બરે

નવી દિલ્હીઃ ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા નગરમાં ભવ્ય શ્રી રામલલા મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. તે પૂર્વે એર ઈન્ડિયા એક્સપ્રેસ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી અયોધ્યા માટેની પ્રારંભિક ફ્લાઈટનું 30 ડિસેમ્બરે સંચાલન કરશે. દિલ્હી-અયોધ્યા દૈનિક વિમાન સેવા 16 જાન્યુઆરીથી શરૂ કરશે.

(તસવીર સૌજન્યઃ @theupindex)

અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના રનવેને A-321/B-737 જેવા વિમાનોના ઉતરાણ, ઉડ્ડયનની કામગીરીઓ માટે યોગ્ય બનાવવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરની ઉદઘાટનવિધિ પૂર્વે એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવશે.

30 ડિસેમ્બરે દિલ્હીથી ફ્લાઈટ સવારે 11 વાગ્યે રવાના થશે અને બપોરે 12.20 વાગ્યે અયોધ્યા પહોંચશે. એવી જ રીતે, અયોધ્યાથી ફ્લાઈટ બપોરે 12.50 વાગ્યે રવાના થશે અને દિલ્હી બપોરે 2.10 વાગ્યે પહોંચશે. એર ઈન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંહનું કહેવું છે કે અમે સહુ અયોધ્યા માટેની વિમાન સેવા શરૂ કરવા ખૂબ જ આતુર છીએ.

એર ઈન્ડિયાની આ પેટા-એરલાઈન દેશમાં દરરોજ 300થી વધારે ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. તેની પાસે 59 વિમાનનો કાફલો છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રૂ. 350 કરોડના ખર્ચે અયોધ્યા એરપોર્ટને ડેવલપ કર્યું છે.