મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો મંજૂર નથી, એને પડકારશે

લખનઉ – રામનગરી અયોધ્યામાં સંપૂર્ણ જમીન રામમંદિર માટે ફાળવી દેવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેસના મુસ્લિમ પક્ષ – ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB)એ સ્વીકાર્યો નથી. આજે મળેલી બેઠકમાં તેના નેતાઓએ નક્કી કર્યું છે કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારશે. એ માટે રિવ્યૂ પીટિશન નોંધાવશે.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં મુસ્લિમ પક્ષને ફાળવેલી જમીન સ્વીકારવાનો AIMPLB સંસ્થાએ ઈનકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભગવાન રામના જન્મસ્થળે મંદિર તોડીને મસ્જિદ બાંધવામાં આવી હોવાના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે પુનર્વિચાર અરજી કરવાનો AIMPLB સંસ્થાએ નિર્ણય લીધો છે.

AIMPLB ની આજે મળેલી બેઠક અંગે જમિયત ઉલેમા-એ-હિંદ સંસ્થાના મૌલાના અર્શદ મદનીએ કહ્યું છે કે અમારી રિવ્યૂ પીટિશન નકારી કાઢવામાં આવશે એવી અમને 100 ટકા ખાતરી છે તે છતાં અમે રિવ્યૂ પીટિશન નોંધાવીશું જ. એ અમારો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં મુસ્લિમ પક્ષને અયોધ્યામાં પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો છે, પણ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે તેનો સ્વીકાર કર્યો નથી.

AIMPLB સંસ્થાના સેક્રેટરી અને ધારાશાસ્ત્રી ઝફરયાબ જિલાનીએ અહીં બોર્ડની બેઠક યોજાઈ ગયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મસ્જિદની જમીન અલ્લાહની છે અને તે શરિયત કાયદા હેઠળની છે, એ બીજા કોઈને આપી શકાય નહીં.

મસ્જિદ માટે અયોધ્યામાં પાંચ એકરની જમીન સ્વીકારવાનો AIMPLB સંસ્થાએ સંપૂર્ણપણે ઈનકાર કરી દીધો છે. બોર્ડનું માનવું છે કે મસ્જિદનો કોઈ વિકલ્પ હોઈ શકે જ નહીં, એમ જિલાનીએ કહ્યું.

ઉલ્લેખનીય છે કે દેશના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની આગેવાની હેઠળ પાંચ-ન્યાયાધીશોની બેન્ચે ગઈ 9 નવેંબરે આપેલા તેના ચુકાદામાં જણાવ્યું હતું કે અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળની સંપૂર્ણ 2.7 એકર જમીન રામ લલાની છે અને તે એમને સુપરત કરવાની છે.

રામ લલા (ભગવાન રામનું બાળસ્વરૂપ) એક સદીથી ચાલતા આ કેસમાં ત્રણમાંના એક પક્ષકાર છે.

પાંચ-જજની બેન્ચે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદ બાંધવા માટે પાંચ-એકરની જમીનનો પ્લોટ ફાળવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]