ADR રિપોર્ટઃ 40 ટકા સાંસદો સામે ગુનાઇત કેસો

નવી દિલ્હીઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW) દ્વારા જારી એક રિપોર્ટ અનુસાર સંસદના 763 સાંસદોમાંથી 306 (40 ટકા)એ પોતાની સામેના ગુનાઇત કેસો જાહેર કર્યા છે. આ ડેટા સાંસદો દ્વારા પોતાની પાછલી ચૂંટણી લડ્યાથી પહેલાં દાખલ કરેલા એફિડેવિટમાંથી કાઢવામાં આવ્યા છે. આશરે 194 સાંસદોએ (25 ટકા) ગંભીર ગુનાના કેસો જાહેર કર્યા છે, જેમાં હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલાઓની વિરુદ્ધ ગુના વગેરે સંબંધિત કેસો સામેલ છે.

કેરળ ટોચે

પોતાની એફિડેવિટમાં ગુનાઇત કેસોની ઘોષણા કરનારા સાંસદોની યાદીમાં કેરળ 73 ટકાની સાથે ટોચ પર છે. ત્યાર બાદ બિહાર, મહારાષ્ટ્ર (57 ટકા) અને તેલંગાણા (50 ટકા)નું સ્થાન છે. બિહાર (50 ટકા)માં ગંભીર ગુનાઇત કેસોવાળા સાંસદો સૌથી વધુ છે. ત્યાર બાદ તેલંગાણા (નવ ટકા), કેરળ (10 ટકા), મહારાષ્ટ્ર (34 ટકા) અને ઉત્તર પ્રદેશ (37 ટકા) છે.

પાર્ટીદીઠ ડેટા પર નજર નાખીએ તો ભાજપના 385 સાંસદોમાંથી 139 (36 ટકા), કોંગ્રેસના 81 સાંસદોમાંથી 43 (53 ટકા), TMCના 36 સાંસદોમાંથી 14 (39 ટકા), RJDના છમાંથી પાંચ (83 ટકા) સાંસદ, CPI-Mના આઠમાંથી છ (75 ટકા) અને NCPના આઠ સાંસદોમાંથી ત્રણ (38 ટકા)એ એફિડેવિટમાં ગુનાઇત કેસો જાહેર કર્યા છે. આ એફિડેવિટ અનુસાર 32 સાંસદોએ હત્યાના પ્રયાસ (IPC કલમ 307)ના કેસોની ઘોષણા કરી છે. 21 સાંસદોએ બળાત્કાર (IPC કલમ 376)થી સંબંધિત કેસો જાહેર કર્યા છે.