મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમ્યાન નેતાઓ દ્વારા પક્ષપલટો અને બળવો કરવાનો દોર જારી છે. એની અસર સત્તારૂઢ ગઠબંધન મહાયુતિની સાથે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી (MVA) પર પણ પડી રહી છે. જેથી MVA સહયોગી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ બળવાખોરોને ચેતવણી આપી છે.
આ બળવાખોર નેતાઓને ચેતવણી આપતાં પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમામ બળવાખોરોએ તેમનાં નામ પાછાં ખેંચી લેવાં જોઈએ, અન્યથા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જોકે આજે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી અને શિવસેના-NCPના ઘણા નેતાઓએ બળવો કરીને નોમિનેશન ફાઈલ કર્યું છે, જેને લઈને MVAએ આજે અલ્ટિમેટમ જારી કર્યું છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે અમારી ભૂમિકા એકબીજા સામે લડવાની નથી, પરંતુ સાથે મળીને લડવાની છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ આ અંગે તમામને જાણ કરી છે. NCP અને શિવસેના UBTના ઘણા બળવાખોર વિધાનસભ્યોએ તેમનાં નામાંકન પાછાં ખેંચી લીધાં છે. આ સંદર્ભમાં આજે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત પણ કરી હતી. આ પછી બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એકતાની વાત કરી હતી.
NCP (SP)ના શરદ પવારે પણ કહ્યું છે કે મહાવિકાસ અઘાડીમાં મૈત્રીપૂર્ણ લડાઇનો કોઈ પ્રશ્ન જ નથી. બળવાખોર ઉમેદવારોએ તેમનું નામાંકન પાછું ખેંચવું જ પડશે.