નવી દિલ્હીઃ અહીંની AIIMS હોસ્પિટલના સુરક્ષા ચોકિયાતો પર હુમલો કરવાના કેસમાં અપરાધી જાહેર કરાયેલા આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય સોમનાથ ભારતીને એક સ્થાનિક મેજિસ્ટ્રેટે ફટકારેલી બે વર્ષની જેલની સજાને દિલ્હીની એક ઉપલી અદાલત – સેશન્સ અદાલતે આજે માન્ય રાખી છે. એ સાથે જ ભારતીને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. આ કેસ 2016ની 9 સપ્ટેમ્બરનો છે જ્યારે 300 સમર્થકો સાથે AIIMSની દીવાલ તોડીને અંદર ગયા હતા. AIIMSના ચીફ સિક્યુરિટી ઓફિસરે એમની સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. ભારતી પોતે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે.
સ્પેશિયલ જજે સોમનાથ ભારતીને ભારતીય ફોજદારી કાયદા તથા જાહેર મિલકત કાયદાને નુકસાન પ્રતિબંધાત્મક કાયદાની કલમો હેઠળ અપરાધી જાહેર કર્યા છે, જેમ કે રમખાણ કરવા, ગેરકાયદેસર રીતે ટોળું ભેગું કરવું અને જાહેર સંપત્તિને નુકસાન કરતી તોફાની હરકત કરવાના ગુના. સોમનાથ ભારતીએ ટ્વીટ કરીને કેસને ખોટો ગણાવ્યો છે. ભારતીને ગયા જાન્યુઆરીમાં મેજિસ્ટ્રેટે બે વર્ષની સજા ફટકારી હતી, પણ ઉપલી કોર્ટમાં અપીલમાં જવા માટે એમને જામીન પર છોડ્યા હતા.
(તસવીરઃ સોમનાથ ભારતી ટ્વિટર એકાઉન્ટ)
