ઉત્તર ભારતમાં વીજળી પડવાથી 68 લોકોનાં મોત

લખનઉઃ ઉત્તર ભારતમાં રવિવારે ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં કુલ 68 લોકોનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશમાં ભારે વીજળી પડવાથી સોમવારે મૃતકોની સંખ્યા 41એ પહોંચી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં સાત લોકોનાં મોતના અહેવાલ હતા. રાજસ્થાનમાં રવિવારે વીજળી પડવાથી 20 લોકોનાં મોત થયાં હતાં. અહીં મૃતકોમાં કોટા અને ધોલપુર જિલ્લામાં સાત બાળકોનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત 10થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ હતા.

યુપીના પ્રયાગરાજના કેટલાક ભાગોમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 14 લોકોનાં મોત થયાં હતાં. કાનપુર દેહાત અને ફતેહપુરમાં પાંચ-પાંચ, કૌશાંબીમાં ચાર, ફિરોજાબાદમાં ત્રણ, ઉન્નાવ, હમીરપુર અને સોનભદ્રમાં એક-એક લોકોનાં મોત થયાં હતાં. કાનપુર નગરમાં બે અને પ્રતાપગઢ હરદોઈમાં અને મિરઝાપુરમાં એક-એક જણનું મોત થયું હતું. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના અધિકારીઓએ તત્કાળ મદદ પહોંચાડવાના નિર્દેશ આપ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના વિવિધ ભાગોમાં રવિવારે વીજળી પડવાથી 20 લોકોનાં મોત પર સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કરીને ઊંડી સંવેદના પ્રગટ કરી હતી.

મૃતકોમાં 11 જયપુરના, ત્રણ ધૌલપુરના, ચાર કોટાના, એક ઝાલાવાડનો અને અને એક બારાનો રહેવાસી હતો. રવિવારે કુલ 17 લોકો ઘાયલ થયા હતા. પોલીસ અને સ્ટેટ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સે તેમને બચાવ્યા હતા. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોકે ગેહલોતે પ્રત્યેકના પરિવારના સભ્યો માટે રૂ. પાંચ-પાંચ લાખ વળતરની ઘોષણા કરી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]