ફ્લાઈટની ટિકિટ બુક કરાવતા પહેલાં આટલું જાણી લો…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આવતા સોમવાર એટલે કે 25 મેથી ફ્લાઈટ્સ ફરી શરુ કરવાની જાહેરાત કરી દીધી છે. કોરોના વાઈરસ-લોકડાઉનને કારણે વિભિન્ન રાજ્યોમાં ફસાયેલા લોકો માટે આ એક રાહતના સમાચાર છે. એવા લોકો હવે બીજા શહેરમાં જવાનો પ્લાન કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે નિષ્ણાતોનું કહેવું છે કે, અત્યારે ફ્લાઈટ્સમાં મુસાફરી ન કરવી તે જ એક યોગ્ય નિર્ણય હશે. જાણીએ 5 મોટા કારણો કે જે આપને ફ્લાઈટ્સમાં બેસતા પહેલા એકવાર વિચાર કરવા પર મજબૂર કરી દેશે.

  • દિલ્હીથી લંડન જેટલા ભાડા પર જવાશે માત્ર બેંગલુરુ સુધી
દેશની એક મોટી ટ્રાવેલ વેબસાઈટ અનુસાર આપને દિલ્હીથી બેંગલુરુ જવા માટે ફ્લાઈટમાં 20,000 રુપિયાથી વધારે ભાડુ આપવું પડશે. કોઈ સામાન્ય દિવસોમાં આ જ કિંમત પર આપ દિલ્હીથી લંડન પહોંચી શકો છો. એક્સપર્ટ્સ અનુસાર, શરુઆતના એક સપ્તાહમાં મોટાભાગની ફ્લાઈટોની કિંમત ચારગણાથી પણ વધારે હોઈ શકે છે. સામાન્ય દિવસોમાં દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ 2 થી 5 હજાર રુપિયામાં મળી જાય છે. પરંતુ 25 મેના રોજ આ જ રુટનું ભાડુ 17,000થી વધારે બતાવાઈ રહ્યું છે.
  • એરપોર્ટથી જ વધારે ફેલાયો છે કોરોના વાયરસ
વિશેષજ્ઞોનું માનીએ તો કોરોના વાયરસ ફેલાવવામાં એરપોર્ટની ભૂમિકા સૌથી વધારે રહી છે. હકીકતમાં એરપોર્ટ પર દરેક પ્રકારના લોકો આવે છે. કોઈના કપડા અને ચહેરાથી કોરોના વાયરસથી તેઓ મુક્ત છે તેનો અંદાજ ન લગાવી શકાય. ત્યારે સૌથી વધારે વાયરસ એરપોર્ટથી જ ફેલાવાની શક્યતાઓ રહેતી હોય છે.
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું ન થઈ શકે પાલન
પહેલા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા કે, ફ્લાઈટમાં વચ્ચે વાળી સીટને ખાલી રાખવામાં આવશે કે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે અને યાત્રીઓને સંક્રમણથી બચાવી શકાય. પરંતુ બુધવારે રાત્રે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદિપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું કે, ફ્લાઈટોમાં વચ્ચેની સીટને ખાલી છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. ત્યારે 2 થી 3 કલાકની ફ્લાઈટમાં યાત્રીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થઈ શકે તેવી શક્યતાઓ અહીંયા ચોક્કસ રહી શકે છે.
  • એરપોર્ટથી ઘર વચ્ચે ટ્રાન્સપોર્ટ એક સમસ્યા
જો આપ દિલ્હીમાં રહો છો તો કદાચ આપને એરપોર્ટ સુધી પહોંચવા માટે કેબની સુવિધા મળી શકે છે. પરંતુ એ જરુરી નથી કે જ્યાં આપ જવા ઈચ્છી રહ્યા છો ત્યાં ટ્રાન્સપોર્ટની કોઈ સુવિધા હશે જ. મહત્વનું છે કે અત્યારે દેશના કોઈપણ રાજ્યએ પોતાના પબ્લીક ટ્રાન્સપોર્ટને ખોલ્યા નથી. ત્યારે આવા સમયે શક્ય છે કે, આપને એરપોર્ટથી ઘર સુધી પહોંચવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
  • એરપોર્ટ પર થશે ઘણી મુશ્કેલીઓ
દિલ્હી એરપોર્ટના અધિકારીઓનું કહેવું છે કે, યાત્રીઓની સુવિધા અને કોરોના સંક્રમણ મુક્ત રાખવા માટે પૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા એન્ટ્રીથી લઈને બોર્ડિંગ પાસની લાઈન સુધીમાં 6 મીટરના અંતરનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આપને એરપોર્ટમાં ફ્લાઈટ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.