મહારાષ્ટ્રમાં ચૂંટાયેલા વિધાનસભ્યોમાંથી 41 ટકા પર ગંભીર ક્રિમિનલ કેસ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી જીતેલા ઉમેદવારોમાંથી 62 ટકા વિધાનસભ્યોએ ગુનાઇત કેસોની જાહેરાત કરી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં 118 એટલે કે 41 ટકા જીતેલા ઉમેદવારોએ ગંભીર ગુનાઇત કેસોની માહિતી આપી છે. વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં એ આંકડો 113 એટલે કે 40 ટકા હતો.

રાજ્યમાં ચૂંટણી પરિણામો પછી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને મહારાષ્ટ્ર ઇલેક્શન વોચે જીતનારા ઉમેદવારોનો ગુનાઇત રેકોર્ડ, આર્થિક સ્થિતિ, શિક્ષણનો સ્તર અને અન્ય માહિતીનું વિગતવાર વિશ્લેષણ કર્યું હતું.

આ ગંભીર ગુનાઓમાં હત્યા, હત્યાના પ્રયાસ, મહિલાઓ પર અપરાધ અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર આરોપ સામેલ છે. 2019ની તુલનામાં 2024માં ગુનાઇત કેસોવાળા વિધાનસભ્યોની સંખ્યામાં વધારો થયો છે. આ વર્ષ જીતનારા અનેક ઉમેદવારો પર હત્યા જેવા ગંભીર ગુનાના આરોપ લાગેલા છે. આમાંથી એક ઉમેદવાર પર IPCની કલમ 376 હેઠળ બળાત્કારનો પણ આરોપ છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપ 132 સીટ જીતી છે, જેમાંથી અડધાથી વધુ 92 ઉમેદવારોએ (70 ટકાએ) ગુનાઇત કેસોની માહિતી આપી છે. 57 સીટ જીતનારી શિવસેનાના ઉમેદવારોમાંથી 38 (65 ટકા) પર ગુનાઇત કેસો નોંધાયેલા છે. NCPના 41 જીતનારા ઉમેદવારોમાંથી 20 (49 ટકા)એ ગુનાઇત કેસોની ઘોષણા કરી છે. NCP SPના આઠ ઉમેદવારોમાંથી પાંચ (63 ટકા) પર કેસ નોંધાયેલા છે, જ્યારે કોંગ્રેસના 16 પૈકી નવ ઉમેદવારો (56 ટકા)એ ગુનાઇત કેસોની માહિતી આપી હતી. SPના બંને જીતનારા ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે. આમ બધા રાજકીય પક્ષોના અનેક ઉમેદવારો ગુનાઇત પૃષ્ઠભૂમિમાંથી આવે છે.

મહારાષ્ટ્રમાં વિજેતાઓની સંપત્તિ જોઈએ તો SPના બે વિજેતા ઉમેદવારો પાસે સૌથી વધુ સરેરાશ  રૂ. 158.52 કરોડની સંપત્તિ છે, જ્યારે ભાજપના 132 વિજેતાઓની સરેરાશ સંપત્તિ રૂ. 59.68 કરોડ છે.