‘ભારત ગૌરવ’ ટ્રેનમાં 40 પ્રવાસીઓને ખોરાકી ઝેર ચડ્યું

પુણેઃ ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ પર્યટક ટ્રેનમાં 40 પ્રવાસીઓની તબિયત અચાનક બગડી ગયાની ગઈ કાલે રાતે ઘટના બની હતી. એમને ખોરાકી ઝેર ચડ્યું હતું અને પુણે રેલવે સ્ટેશન પર જ એમને તાત્કાલિક તબીબી સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ એ તમામ પ્રવાસીઓને સારવાર માટે સસૂન હોસ્પિટલમાં લઈ જવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. સસૂન હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે તમામ 40 પ્રવાસીઓની તબિયત સ્થિર છે.

(ફાઈલ તસવીર)

એવો અહેવાલ છે કે, ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ એક્સપ્રેસ ટ્રેનના અનેક પ્રવાસીઓની તબિયત અચાનક બગડી ગઈ હતી. એમને ઉલટીઓ થઈ હતી. ટ્રેન પુણે સ્ટેશને પહોંચે એ પહેલાં જ રેલવે તંત્રએ સ્ટેશનના સંચાલકોને તેની જાણ કરી દીધી હતી. તેથી ટ્રેન પહોંચી એ પહેલા જ સસૂન હોસ્પિટલમાંથી એક મેડિકલ ટીમ સ્ટેશન પર પહોંચી હતી. મધરાતે ટ્રેન સ્ટેશને આવી પહોંચ્યા બાદ બીમાર પડી ગયેલા પ્રવાસીઓને સ્ટેશન પર જ તાત્કાલિક તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી. કેટલાક પ્રવાસીઓને ઓક્સીજન પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એમને સસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમનો પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો. એમની હાલત સ્થિર હોવાથી એમને દાખલ કરવાની જરૂર પડી નહોતી.

એવી શંકા છે કે આ પ્રવાસીઓને ટ્રેનમાં ખોરાકી ઝેર ચડ્યું હતું. આ મામલે રેલવે વહીવટીતંત્રએ તપાસનો આદેશ આપ્યો છે. ટ્રેનોમાં પીરસવામાં આવતા ભોજન અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા વિશે કાયમ સવાલો ઉઠાવવામાં આવતા હોય છે. લાંબા અંતરની ટ્રેનોમાં ખાનપાન સુવિધા, પેન્ટ્રી કાર કાઢી નાખવામાં આવી હોવાથી હવે પ્રવાસીઓને તાજું ભોજન મળતું નથી. તેથી પ્રવાસીઓને સફર દરમિયાન આવતા સ્ટેશનો પરથી જે મળે તે ભોજન ખાઈ લેવું પડે છે. તે ભોજનની ગુણવત્તા ઘણી વાર સારી નથી હોતી. ભારત ગૌરવ ટ્રેન જેવી ઘટના ભવિષ્યમાં ફરી બની શકે છે તેથી રેલવે તંત્રએ ટ્રેનોમાં પેન્ટ્રી કાર સુવિધા ફરી શરૂ કરવી પડશે એવી માગણી રેલવે પ્રવાસી સંઘનાં અધ્યક્ષા હર્ષા શાહે કરી છે.