નવી દિલ્હીઃ દેશમાં ચોમાસું અડધું વીતી ચૂક્યું છે અને દેશના મોસમ સંબંધી 36 ઉપખંડોમાંથી 25 ટકામાં ઓછો વરસાદ નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગના આંડા અનુસાર જુલાઈમાં દેશમાં સામાન્યથી -280 મિમીથી નવ ટકા વધુ વરસાદ 306.6 મિમી નોંધાયો છે. એક જૂનથી 445.8 મિમીનો સામાન્ય વરસાદની તુલનાએ 453.8 મિમી વરસાદ થયો છે, જે બે ટકા વધુ છે.
જોકે જુલાઈમાં વરસાદ અસમાન રહ્યો હતો. પૂર્વ ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનના વિસ્તારોમાં અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં વરસાદ ઘણો ઓછો નોંધાયો છે, જ્યારે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ 35 ટકાથી 45 ટકા ઓછો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધી અનિયમિત વરસાદ વરસ્યો છે. IMDના ડેટા અનુસાર 13 ઉપખંડોમાં સરેરાશથી વધુ વરસાદ, 14માં સામાન્ય અને નવમાં ઓછો વરસાદ નોંધાયો છે. પૂર્વોત્તરનાં રાજ્યોમાં વરસાદમાં અત્યાર સુધી 752.5 મિમીના સામાન્ય વરસાદની તુલનાએ 610.02 મિમી વરસાદ થયો છે. મધ્ય ભારતમાં જુલાઈમાં સામાન્યથી 33 ટકા વધુ એટલે કે 427.2 મિમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય રીતે અહીં 321.3 મિમી વરસાદ થાય છે.
બિહારમાં અત્યાર સુધી સરેરાશ 60 ટકા ઓછો વરસાદ થયો છે. પાણી નહીં મળવાને કારણ ખેતરોમાં તિરાડો પડવા લાગી છે. કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહમાં વરસાદન નહીં થાય તો 20 ટકા કૃષિ ઉત્પાદન ઘટવાની આશંકા છે. એનાથી ખેડૂતોને આશરે રૂ. 2000 કરોડનો ફટકો પડવાની દહેશત છે.