કશ્મીરમાં આ વર્ષમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો 2000 વખત ભંગ કરાયો

નવી દિલ્હી – ભારત સરકારે પાકિસ્તાન સરકારને જણાવી દીધું છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામની શરતોનો 2,050 વખત ભંગ કરવામાં આવ્યો છે અને એના હુમલાઓમાં 21 ભારતીય નાગરિકોનાં મરણ નિપજ્યાં છે. બંને દેશ વય્ચે 2003માં યુદ્ધવિરામ સમજૂતી કરવામાં આવી હતી.

સરહદ પારથી જમ્મુ અને કશ્મીરમાં ત્રાસવાદીઓને ઘૂસાડવા માટે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા આ વર્ષમાં અત્યાર સુધીમાં 2,050 વખત યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો છે. એ હુમલાઓમાં 21 ભારતીયો માર્યા ગયા છે, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું છે.

ભારત સરકારે જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમને રદ કરીને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધા બાદ પાકિસ્તાન રોષે ભરાયું છે અને એને કારણે બંને દેશ વચ્ચેના સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે. એ ઘટનાને પગલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉપર મુજબની જાણકારી આપી છે.

એમણે કહ્યું કે અમે યુદ્ધવિરામની શરતોના ભંગ અને ભારતીય નાગરિકોનાં મરણ અંગે પાકિસ્તાન સરકારને જાણ કરી દીધી છે. અમે એમને અમારી ચિંતા દર્શાવી દીધી છે કે ભારત તરફથી કોઈ પ્રકારની ઉશ્કેરણી કરાતી ન હોવા છતાં પાકિસ્તાની લશ્કરી દળો તરફથી યુદ્ધવિરામનો અસંખ્ય વાર ભંગ કરવામાં આવ્યો છે, તદુપરાંત સરહદ પારથી જમ્મુ-કશ્મીરમાં ઘૂસણખોરીને ટેકો આપવામાં આવી રહ્યો છે અને ભારતીય નાગરિકો તથા સીમા સ્થિત લશ્કરી ચોકીઓને તેઓ લક્ષ્ય બનાવે છે.