મુંબઈઃ મહિલાએ લોકલ ટ્રેનની અંદર બાળકને જન્મ આપ્યો

મુંબઈ – ગર્ભવતી ટ્રેન પ્રવાસીએ મુંબઈની લોકલ ટ્રેનની અંદર બાળકને જન્મ આપ્યાની એક વધુ ઘટના બની છે. આ ઘટના ગઈ કાલે બની હતી.

તે મહિલા થાણે જવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનેથી ટ્રેનમાં બેઠી હતી. એને થોડીક જ વારમાં પેટમાં દુખાવો શરૂ થયો હતો. એ પ્રસવની પીડા હતી અને ટ્રેન થાણે રેલવે સ્ટેશન તરફ જતી હતી એ વખતે એણે ટ્રેનના ડબ્બાની અંદર બાળકને જન્મ આપ્યો હતો. એને પુત્રરત્ન પ્રાપ્ત થયો છે.

એ મહિલાને બાદમાં તરત જ થાણે સ્ટેશનના વન-રૂપી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં એની ઈમરજન્સી સારવાર કરવામાં આવી હતી. ક્લિનિકમાં હાજર ડોક્ટરે માતા અને એનાં બાળક, બંનેની સારવાર કરી હતી અને બંનેને ત્યારબાદ એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. માતા અને નવજાત પુત્ર, બંને તબિયત સારી હતી.

સ્ત્રીની ડિલિવરી સફળ બની રહે એ માટે એને સહાયતા કરવાની ફરજ રેલવેના વન-રૂપી ક્લિનિકમાંના ડોક્ટરોએ આ 9મી વખત બજાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]