નવી દિલ્હીઃ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC)ની પ્રક્રિયા પર સવાલ ઊભા કરનારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો કેટલીય યુનિવર્સિટીઓના કુલપતિઓએ વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કુલપતિની પસંદગીમાં યોગ્યતાને ધ્યાનમાં નથી લેવાતી. કેટલાંક સંગઠનોથી સંબંધિત લોકોને આ પદો પર નિયુક્તિ કરવામાં આવી રહી છે. ત્યાર બાદ કુલપતિઓની તરફથી લખેલા પત્રમાં એનો વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે જ એ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની પસંદગી કયા આધારે થાય છે અને આ કુલપતિઓનું દેશની યુનિવર્સિટીઓના વિકાસમાં કેવી રીતે યોગદાન હોય છે.
મોટી યુનિવર્સિટીઓના કુલપતિઓએ આ પત્રને લખ્યો છે અને રાહુલ ગાંધીને મોકલ્યો છે. આ પત્રમાં 182 યુનિવર્સિટીઓના કુલપતિઓએ એમા હસ્તાક્ષર કરીને સહમતી જાહેર કરી હતી.
રાહુલ ગાંધીને લખેલા પત્રમાં બધી યુનિવર્સિટીના કુલપતિ તરફથી લખવામાં આવ્યું છે કે કુલપતિની પસંદગીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શી હોય છે અને એ દરમ્યાન બધાં મૂલ્યોનું ધ્યાન રાખવામાં આવે છે. શૈક્ષણિક યોગ્યતા અને યુનિવર્સિટીને આગળ લઈ જવાની વિધારધારાને આધારે કુલપતિ પસંદ કરવામાં આવે છે.
બધી યુનિવર્સિટીઓનું પ્રદર્શન એ વાતની સાક્ષી પૂરે છે કે કુલપતિઓની પસંદગીની પ્રક્રિયા નિષ્પક્ષ અને ઉચિત પ્રકારે હોય છે. બધી યુનિવર્સિટીના કુલપતિઓ તરફથી અપીલ કરવામાં આવી છે કે લોકો કોઈ પણ અફવાનો શિકાર ના બને અને દેશના ઉચ્ચ શિક્ષણને વધુ સારું બનાવવા તેમનો સહયોગ કરે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે વિશ્વભરની યુનિવર્સિટીનાં રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીઓનાં રેન્કિંગમાં સતત સુધારો થઈ રહ્યો છે. એ યોગ્ય કુલપતિની પસંદગી અને પસંદગી પામેલા કુલપતિઓની મહેનતનું પરિણામ છે.આ પત્રના અંતમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી રાજકીય લાભ માટે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે.