મુંબઈઃ અહીંના ચેંબૂર ઉપનગરના ભારત નગર વિસ્તારમાં ભારે વરસાદને કારણે શનિવારની મધરાત બાદ લગભગ 1 વાગ્યાના સુમારે થયેલા ભૂસ્ખલનને લીધે એક મોટી દીવાલ નીચે કાચા ઘરો-ઝૂંપડાઓ પર પડતાં ઓછામાં ઓછા 19 જણ માર્યા ગયા છે. આ જાણકારી નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં બીજા કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. એમાંથી કેટલાકને બચાવી શકાયા હતા.
ભેખડ ધસી પડવાની એક અન્ય ઘટના વિક્રોલી ઉપનગરમાં પણ બની હતી. મોટી ભેખડ પાંચ ઝૂંપડાઓ પર પડતાં 10 ઝૂંપડાવાસીનું મરણ થયું છે. આ ઘટના શનિવારે રાતે લગભગ અઢી વાગ્યે બની હતી. દીવાલ પડવાની ત્રીજી ઘટના ભાંડુપ ઉપનગરમાં બની હતી. જંગલ વિભાગના કમ્પાઉન્ડની દીવાલ તૂટી પડતાં 16-વર્ષના એક છોકરાનું મૃત્યુ થયું હતું.