મુંબઈ હાઈકોર્ટે ફટાકડા ફોડવાનો સમય 3 કલાકથી ઘટાડી બે કલાકનો કર્યો

મુંબઈઃ શહેરમાં બાંધકામ સ્થળોએથી કાટમાળનું વાહનો દ્વારા વહન કરવા પર લાદવામાં આવેલા નિયંત્રણને મુંબઈ હાઈકોર્ટે 19 નવેમ્બર સુધી ચાલુ રાખવાનો આજે આદેશ આપ્યો છે. વધુમાં, હાઈકોર્ટે દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા પર મૂકેલા સમય-નિયંત્રણ સંબંધિત પોતાના જ અગાઉના આદેશમાં ફેરફાર કર્યો છે. હવે તેણે ફટાકડા ફોડવાની પરવાનગીનો સમય રાતે 8થી 10 સુધીનો કર્યો છે. કોર્ટે અગાઉના ઓર્ડરમાં આ પરવાનગી રાતે 7-10 સુધી – ત્રણ કલાક માટે આપી હતી. શહેરમાં હવાના પ્રદૂષણની બગડેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને લક્ષમાં રાખીને કોર્ટે ફટાકડા ફોડવાનો સમય એક કલાક ઘટાડ્યો છે.

મુંબઈનાં લોકો કંઈ ઘણા બધા ફટાકડા ફોડતાં નથી એવી એટર્ની જનરલે દલીલ કરી હતી, પણ ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયે એવી વળતી ટકોર કરી હતી કે, સાચી વાત છે, પણ મુંબઈ દિલ્હી બની ન જાય એનું ધ્યાન રાખીએ. આપણે મુંબઈકર જ રહીએ.

ગઈ 6 નવેમ્બરે પોતાના ઓર્ડરમાં હાઈકોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે મુંબઈવાસીઓની જિંદગી વધારે મહત્ત્વની છે. બાંધકામના સ્થળોએ ઉડતી ધૂળ હવાના પ્રદૂષણનું મોટું કારણ છે. શહેરમાં હવાની ગુણવત્તા જોઈએ એવી સુધરી નથી. જો ચાર દિવસમાં એમાં નોંધનીય સુધારો નહીં થાય દિવાળીના દિવસોમાં બાંધકામના સ્થળોના કાટમાળના ટ્રાન્સપોર્ટેશન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાશે. શહેરમાં હવાની ગુણવત્તામાં થયેલા બગાડા અને પ્રદૂષણમાં થયેલા વધારાની બાબતને સ્વયં લક્ષમાં લઈને કેસ બનાવી સુનાવણી કરી છે.