દિલ્હી પરિણામઃ ભાજપે બે વર્ષમાં છઠ્ઠું રાજ્ય ગુમાવ્યું

અમદાવાદઃ દિલ્હીમાં કારમી હાર બાદ ભાજપની એનડીએ સરકારે છેલ્લાં બે વર્ષમાં છઠ્ઠું  રાજ્યોની ચૂંટણીમાં સત્તા ગુમાવી છે. ભાજપે દિલ્હીમાં ગઈ વખતની ચૂંટણીમાં માત્ર ત્રણ સીટ મેળવી હતી અને આ વખતે ભાજપના સારા પ્રદર્શનની આશા હતી. દિલ્હી ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ પણ 48 સીટ મળશેનો આત્મવિશ્વાસ ભારોભાર વ્યક્ત કર્યો હતો, પણ એ ખોટો સાબિત ઠર્યો હતો. આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટ મેળવીને પ્રચંડ જીત હાંસલ કરી હતી. જેથી હવે ભાજપ સરકારની વિરુદ્ધ દિલ્હી સહિત 12 રાજ્યોમાં વિરોધી સરકારો છે. એનડીએ પાસે હવે 16 રાજ્યો છે, જેમાં દેશની કુલ વસતિ 42 ટકા છે.

ભારતીય મતદારો ઘણા સમજુ અને શાણા છે. તેઓ દેશની ચૂંટણીમાં વડા પ્રધાનના ઉમેદવારને જોઈને મતદાન કરે છે, જ્યારે રાજ્યોની ચૂંટણીમાં તેઓ સ્થાનિક મુદ્દાઓનો ધ્યાન રાખીને મતદાન કરી રહ્યા છે. તેમણે રાજ્ય સ્તરે ભાજપના રાષ્ટ્રવાદને ફગાવતાં રાજ્યોના મુદ્દાઓને  કેન્દ્રમાં રાખીને મતદાન કર્યું હતું.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાછલા છ મહિનામાં જનતાને ઘણું મફત આપ્યું છે. તેમણે બસો અને મેટ્રોમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફત યાત્રા કરાવી છે. આ ઉપરાંત તેમણે દિલ્હીવાસીઓને મફત વીજળી-પાણી આપવાની જાહેરાત કરી હતી. જે ચૂંટણીમાં મધ્યમ વર્ગને ખૂબ ગમી ગઈ હતી અને નિર્ણાયક સાબિત થઈ હતી.

બીજી બાજુ, કોંગ્રેસ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ પુડુચેરીમાં પોતાની કે સાથીપક્ષોની સાથે સત્તા ધરાવે છે. ઝારખંડમાં સરકાર રચાયા બાદ કોંગ્રેસ સાત રાજ્યોમાં સત્તા ધરાવે છે.