પ્રત્યાઘાતી ઘટાડા પછી સેન્સેક્સ-નિફ્ટીમાં ફરી  તેજી

અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં બે દિવસના પ્રત્યાઘાતી ઘટાડા બાદ ફરી તેજી થઈ હતી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ચોખ્ખા લેવાલ રહ્યા હતા. મ્યુચ્યુઅલ ફંડોએ પણ શેરોમાં ભારે ખરીદી કરી હતી. હેવી વેઇટ રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી અને ઇન્ફોસિસની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. જેથી સેન્સેક્સ 237 પોઇન્ટ ઊછળીને 41,236ના મથાળે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ક્રૂડની કિંમતો હાલ સ્થિર હોવાથી શેરોમાં તેજી થઈ હતી. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 41,444.34ની સપાટી સર કરી હતી. એ જ રીતે નિફટી 50 ઇન્ડેક્સ 76.40 પોઇન્ટ વધીને 12,107 બંધ આવ્યો હતો.

વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોની મજબૂતી અને એશિયન માર્કેટોમાં તેજીને પગલે સ્થાનિક શેરબજારોમાં પણ સુધારો થયો હતો. આમ બજારે સ્થાનિક દિલ્હી પરિણામોને નજરઅંદાજ કર્યા હતા. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલ 13 મહિનાના નીચલા સ્તરથી થોડું સુધર્યું હતું, પણ ચીનની માગ દૈનિક ધોરણે 20-30 લાખ બેરલ ઓછી રહેવાને લીધે ક્રૂડની કિંમતો હાલપૂરતતા નરમ રહેશે. જેથી પણ શેરબજારોમાં તેજી થઈ હતી. લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને એક નિવેદનમાં કહ્યું હતું કે અર્થતંત્રમાં સુધારાના સંકેત મળી રહ્યા છે. દેશમાં એફડીઆઇ વધશે. તેમનાં નિવેદનોની શેરબજાર પર સકારાત્મક અસર થઈ હતી.

મ્યું ફંડોની ઈક્વિટી યોજનામાં અધધધ રોકાણપ્રવાહ

મ્યુચ્યુઅલ ઉદ્યોગના 43 ફંડોમાં જાન્યુઆરીમાં ઈક્વિટી યોજનામાં રૂ. 7,548 કરોડનો ઈક્વિટી ફ્લો આવ્યો હતો, જે ડિસેમ્બર કરતાં 70 ટકા વધુ હતો. ડિસેમ્બરમાં ફંડોની ઈક્વિટી યોજનાઓમાં રૂ. 4,432 કરોડનો રાકાણપ્રવાહ આવ્યો હતો, જેમાં મિડ-કેપ કેટેગરીમાં રૂ. 1,798 કરોડનો રોકાણપ્રવાહ આવ્યો હતો. વળી સ્થાનિક સંસ્થાઓએ સોમવારે ભારતીય બજારોમાં રૂ. 700 કરોડ ઠાલવ્યા હતા. અમેરિકામાં ટેક્નોલોજી શેરોમાં તેજીને પગલે સ્થાનિક બજારમાં પણ તેજી થઈ હતી. સ્થાનિક શેરબજારમાં બેન્ક, ઓટો અને મેટલ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી. નિફ્ટીના 11માંથી 10 ઇન્ડેક્સમાં તેજી થઈ હતી.

બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ વૈશ્વિક રોકાણકારો વિશ્વની બીજા નંબરની સૌથી મોટા અર્થતંત્ર ચીનના નવા વર્ષની લુનાર રજા પછીના અહેવાલોની રાહ જોઈ રહ્યા છે.ચીનમાં કોરોના વાઇરસથી 1000 લોકો કરતાં પણ વધુનાં મોત થયાં છે, જેથી વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.